05 May, 2019 11:04 AM IST | મુંબઈ
ગુલશનકુમાર એક વ્યક્તિ જેણે મ્યુઝિકની દુનિયાને બદલી નાખી, તેનો આજે જન્મદિવસ છે. જો આજે ગુલશનકુમાર જીવતા હોત તો તેમનો આજે 63મો જન્મદિવસ હોત. ગુલશનકુમારના પુત્ર ભૂષણકુમાર આજે દેશના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર છે. જો કે આજે વાત ગુલશનકુમારની, જેમણે ફિલ્મ સંગીતની દુનિયા જ બદલી નાખી. એક સમય હતો જ્યારે ફિલ્મી ગીતો થિયેટરમાં કે પછી રેડિયો પર જ સાંભળી શકાતા હતા. પરંતુ ગુલશનકુમારની ટી સિરીઝે કેસેટ દ્વારા સંગીતને ઘરે ઘરે પહોંચાડી દીધું.
ગુલશનકુમારનો જન્મ 5મી 1956ના રોજ દિલ્હીમાં પંજાબી અરોરા પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ ગુલશનકુમાર હતું. તેમના પિતા દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં ફળના જ્યૂસની દુકાન ચલાવતા હતા.
ગુલશનકુમારની વાત ઝીરોથી હીરો બનવાની છે. તેમણે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એવા સમયે એન્ટ્રી કરી જ્યારે મ્યુઝિક ધીરે ધીરે પોપ્યુલર થઈ રહ્યું હતું. પોતાની મહેતન, દૂર દ્રષ્ટિ અને જુસ્સાથી તેઓ સંગીત ઉદ્યોગને ખૂબ જ ઉંચાઈ પર લઈ ગયા. સોનુ નિગમ જેવા ગાયકોને બ્રેક આપીને ગુલશન કુમારે તેમનું કરિયર બનાવી દીધું.
ગુલશનકુમારે સુપર કેસેટ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની બનાવી જે ભારતની સૌથી મોટી સંગીત કંપની બની હતી. તેમણે આ સંગીત કંપની અંતર્ગત જ ટી સિરીઝની સ્થાપના કરી હતી. આજે ટી સિરીઝ દેશમાં મ્યુઝિક અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટું નામ છે.
ગુલશનકુમારે પોતાની કમાણીનો એક ભાગ સમાજ સેવા માટે આપીને પણ એક મિસાલ કાયમ કરી . તેમણે વૈષ્ણો દેવીમાં એક ભંડારાની સ્થાપના કરી, જે આજે પણ તીર્થયાત્રીઓને નિઃશુલ્ક ભોજન પુરુ પાડે છે.
આ પણ વાંચોઃ ઐશ્વર્યા મજમુદાર તુર્કીમાં કંઈક આ અંદાજમાં એન્જોય કરી રહી છે વેકેશન, જુઓ ફોટોઝ
1992-93માં ગુલશનકુમાર સૌથી વધુ ટેક્સ ચૂકવનાર વ્યક્તિઓમાંના એક હતા. એવી માન્યતા છે કે ગુલશનકુમારે મુંબઈના અંડરવર્લ્ડની ખંડણીની માગ માનવાનો ઈનકાર કર્યો હતો, પરિણામે તેમની હત્યા કરી દેવામાં આવી. 12 ઓગસ્ટ 1997માં મુંબઈના એક મંદિર બહાર ગોળી મારીને ગુલશનકુમારની હત્યા કરવામાં આવી હતી.
ગુલશનકુમારના મૃત્યુ બાદ હવે ટી સિરીઝને તેમના પુત્ર ભૂષણકુમાર સંભાળી રહ્યા છે. જેમની પુત્રી તુલસી કુમાર એક જાણીતી સિંગર છે.