‘કિસી કા ભાઈ કિસી કી જાન’એ પહેલા દિવસે કર્યો ૧૫.૮૧ કરોડનો બિઝનેસ

23 April, 2023 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાનની શુક્રવારે રિલીઝ થયેલી ‘કિસી કા ભાઈ કિસી કી જાન’એ પહેલા દિવસે ૧૫.૮૧ કરોડનો બિઝનેસ કર્યો છે.

આમિર ખાન અને સલમાન ખાન

સલમાન ખાનની શુક્રવારે રિલીઝ થયેલી ‘કિસી કા ભાઈ કિસી કી જાન’એ પહેલા દિવસે ૧૫.૮૧ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સલમાન સાથે વ્યંકટેશ, પૂજા હેગડે, શહનાઝ ગિલ, ભૂમિકા ચાવલા, અભિમન્યુ સિંહ, પલક તિવારી, રાઘવ જુયાલ, જસ્સી ગિલ, સિદ્ધાર્થ નિગમ અને જગપતિ બાબુ પણ જોવા મળી રહ્યાં છે. ઈદ હોવાથી વધુ લોકો આ ફિલ્મ જોવા થિયેટરમાં ઊમટી આવશે એવી શક્યતા છે. સાથે જ વીક-એન્ડનો ફાયદો પણ આ ફિલ્મને મળવાનો છે. 

ભાઈ ભાઈ


સલમાન ખાન અને આમિર ખાને સાથે મળીને ઈદ મનાવી હતી. સલમાન બ્લૅક આઉટફિટમાં જોવા મળ્યો હતો અને આમિરે બ્લૅક જીન્સ પર બ્લુ ટી-શર્ટ પહેર્યું હતું. એ ફોટો સલમાને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. બન્નેના ચહેરા પર ઈદ મનાવવાની ખુશી સ્પષ્ટ દેખાતી હતી. સલમાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ શુક્રવારે રિલીઝ થઈ છે. તેના ફૅન્સ માટે આ એક સલમાન તરફથી ઈદી છે એવું કહી શકાય.

ઈદ મુબારક


શાહરુખ અને સલમાન ખાને તેમના ફૅન્સને ઈદ મુબારક કહ્યું છે. બન્નેએ પોતાની બાલ્કનીમાં આવીને ફૅન્સને હાથ દેખાડીને ઈદની શુભેચ્છા આપી હતી. તેમના ફૅન્સ આતુરતાપૂર્વક તેમના ઘરની બહાર એક ઝલક જોવા માટે રાહ જોતા હોય છે. શાહરુખના બંગલા મન્નતમાં જાળીથી બાલ્કની બનાવવામાં આવી છે. ત્યાં આવીને શાહરુખ નેતા ફૅન્સના પ્રેમનો સ્વીકાર કરે છે. તો બીજી તરફ સલમાન ખાને પણ પોતાની બાલ્કનીમાં આવીને લોકોને હાથ દેખાડ્યો હતો. તેની બાજુમાં તેના ડૅડી સલીમ ખાન ઊભા હતા. 

‘આપ કી અદાલત’ લૉન્ચ કરવા દુબઈ જશે સલમાન?

સલમાન ખાન હવે દુબઈ જઈને ‘આપ કી અદાલત’ લૉન્ચ કરશે. ઈદ હોવાથી પરિવાર સાથે સમય પસાર કર્યા બાદ તે ૨૫ એપ્રિલે દુબઈ જશે. ભારતીય ટેલિવિઝન પર રજત શર્માનો આ ટૉક-શો ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ ટૉક-શો દ્વારા દુબઈમાં પણ લોકોને સેલિબ્રિટીઝ વિશે જાણવા મળશે. દુબઈમાં સલમાનના ફૅન ફૉલોઇંગ ઘણા છે અને આ જ કારણ છે કે શોના લૉન્ચિંગ માટે સલમાનને ખાસ ઇન્વાઇટ કરવામાં આવ્યો છે. આ શોમાં સલમાન અને રજત શર્મા વાતચીત કરતા દેખાડવામાં આવશે. જોકે એ શો પછીથી ટેલિકાસ્ટ કરવામાં આવશે.

bollywood news entertainment news Salman Khan