27 September, 2024 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિ કિશન
કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ૨૦૨૫ના ઑસ્કર અવૉર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઑસ્કર અવૉર્ડ્સની બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરીમાં મોકલવામાં આવેલી ‘લાપતા લેડીઝ’માં મુખ્ય પાત્રો ભજવનાર યુવાન કલાકારો તો નવા હતા, પરંતુ સબ-ઇન્સ્પેક્ટર શ્યામ મનોહરનું પાત્ર જાણીતા અભિનેતા અને ગોરખપુરના BJPના સંસદસભ્ય રવિ કિશને ભજવ્યું હતું. તેમનું અકડુ ને ભ્રષ્ટ પોલીસનું પાત્ર લોકોએ પસંદ કર્યું છે. ખાસ તો તેમની પાન ચાવવાની સ્ટાઇલ લોકોને ખૂબ ગમી છે.
આ સંદર્ભમાં રવિ કિશને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘આ ફિલ્મ માટે મેં ૧૬૦ પાન ખાધાં હતાં. આ તો સારું છે કે મને પાનનું વ્યસન ન થયું. સ્વાસ્થ્ય માટે એ એટલાં સારાં નહીં!’
વાત એમ છે કે ડિરેક્ટર કિરણ રાવની ઇચ્છા હતી કે શ્યામ મનોહરનું પાત્ર કંઈક ચાવતું રહેવું જોઈએ. રવિ કિશન કહે છે, ‘કિરણજીએ સમોસા સજેસ્ટ કર્યા હતા, પણ મેં કહ્યું કે પાન ખાઉં તો? એ રીતે ફિલ્મ દરમ્યાન પાન ચાવવાનું નક્કી થયું.’
‘લાપતા લેડીઝ’ની રિલીઝ વખતે, પ્રમોશન દરમ્યાન રવિ કિશને જણાવેલું કે ફિલ્મમાં દીપકનું પાત્ર જ્યારે રવિ કિશન પાસે રિપોર્ટ લખાવવા જાય છે એ સીન દરમ્યાન રવિ કિશને ૩૨ પાન ખાધાં હતાં, કારણ કે એ સીન જુદા-જુદા ઍન્ગલથી શૂટ થયો હતો.