20 January, 2023 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાધિકા મદન
રાધિકા મદનનું કહેવું છે કે ફિલ્મમેકર્સનો વિશ્વાસ જાળવી રાખવા માટે તેના પર્ફોર્મન્સને વધુ સારો બનાવવો તેના માટે અગત્યનું છે. તેની ‘કુત્તે’ હાલમાં જ રિલીઝ થઈ છે. તેણે અગાઉ ‘પટાખા’, ‘મર્દ કો દર્દ નહીં હોતા’ અને ‘અંગ્રેઝી મીડિયમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મમેકર્સનો વિશ્વાસ જાળવવા વિશે રાધિકા મદને કહ્યું કે ‘મારી કળા પર મોટો દાવ લાગેલો છે. બૉક્સ-ઑફિસના આંકડા મારા હાથમાં નથી. જો હું સારી રીતે પર્ફોર્મ કરીશ તો મેકર્સ ફરીથી મારી પાસે આવશે. મારે તેમનો વિશ્વાસ જાળવી રાખવા માટે સખત મહેનત કરવી પડશે અને એવું પર્ફોર્મ કરીશ કે જે કદી પણ ન જોયું હોય. એથી તેમનો વિશ્વાસ જાળવી રાખવો અને મારા પર્ફોર્મન્સને વધુ શ્રેષ્ઠ બનાવવો અગત્યનું છે. બૉક્સ-ઑફિસના આંકડા, સફળતા અને નિષ્ફળતા એ મારા હાથની વાત નથી. મારા હાથમાં સખત મહેનત કરવી અને પ્રામાણિકતા છે. એના માટે હું જવાબદાર છું. અલગ-અલગ પાત્રોને જીવવાની લાલચ અને દરેક પ્રોજેક્ટમાં મારી જાતને અલગ રીતે દેખાડવી એ મારા હાથમાં છે. જો મારા કો-ઍક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ મારી અંદરથી એ વસ્તુને બહાર કાઢે જેની મને જાણ નથી તો હું પોતાને નસીબદાર માનીશ અને દરરોજ મારો વિકાસ કરીશ.’