22 October, 2024 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પત્ની પગે લાગી તો સામે પોતે પણ તેને પગે લાગ્યો વિક્રાંત
ફિલ્મ ‘12th ફેલ’થી ફિલ્મજગતમાં પોતાનું સ્થાન મજબૂત કરનારા વિક્રાંત મૅસીએ કરવા ચૌથની ઉજવણીની તસવીરો ગઈ કાલે શૅર કરી હતી. પત્ની શીતલ ઠાકુર દીવો મૂકેલી ચાળણીમાંથી ચંદ્રનાં દર્શન કર્યા પછી વિક્રાંતનાં દર્શન કરી રહી છે અને તેને પગે લાગે છે એવી તસવીરો તો છે જ, પણ પોતે સુધ્ધાં શીતલને પગે લાગે છે એવી તસવીર વિક્રાંતે શૅર કરી છે. વિક્રાંત અને શીતલ થોડા વખત પહેલાં જ પહેલી વાર પેરન્ટ્સ બન્યાં છે. કરવા ચૌથ ઊજવવા તેઓ પોતાના વતન હિમાચલ પ્રદેશ ગયાં હતાં.
પુત્રવધૂ કૅટરિના પર જુઓ કેવું વહાલ વરસાવ્યું સાસુએ
કરવા ચૌથ પર બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝે સોશ્યલ મીડિયા પર ફોટો શૅર કર્યા, પણ કૅટરિના કૈફે ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો મૂકી છે એ જોઈને તેના ચાહકોને મજા પડી ગઈ છે. કૅટરિનાએ પતિ વિકી કૌશલ, સાસુ-સસરા વીણા અને શામ કૌશલ, દિયર સની કૌશલ અને બહેન ઇસાબેલ કૈફ સાથેની તસવીરો શૅર કરી છે; પણ લોકોને સૌથી વધુ એ તસવીરો ગમી છે જેમાં સાસુ વીણા પુત્રવધૂને આશીર્વાદ આપે છે અને તેને વહાલ કરે છે.
પ્રિયંકાએ લંડનમાં ટ્રૅકસૂટમાં ઊજવી કરવા ચૌથ
પ્રિયંકા ચોપડાએ રવિવારે લંડનમાં ટ્રૅક સૂટમાં કરવા ચૌથ ઊજવી હતી. જોકે તેણે માથે દુપટ્ટો ઓઢ્યો હતો. હસબન્ડ નિક જોનસે તેનું વ્રત તોડાવ્યું હતું. પ્રિયંકાએ પોતાના હાથની મેંદી દેખાડી હતી જેમાં નિકનો બર્થ-ડે અને ત્રણનો આંકડો લખ્યો છે.