23 January, 2022 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યને તેની મમ્મી માલા તિવારી સાથે
કાર્તિક આર્યને તેની મમ્મી માલા તિવારીને બર્થ-ડે નિમિત્તે મિની કૂપર કાર ગિફ્ટ કરી હતી. જોકે તેને કાર્તિકની કાબેલિયત પર ભરોસો નહોતો. કેક-કટિંગનો વિડિયો તેણે યુટ્યુબ પર શૅર કર્યો છે. કાર્તિકની ઇચ્છા હતી કે તે તેની મમ્મીને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરે. એ વિશે કાર્તિકે કહ્યું કે ‘અમે એક વખત જ્યારે ઇન્ટરનૅશનલ હૉલિડે પર ગયાં હતાં ત્યાં અમે મોટી કાર જોઈ હતી. જોકે મારી મમ્મીની નજર નાની કાર પર મંડાયેલી હતી. એને ‘રમકડું’ કહી શકાય. એ મિની કૂપર હતી. એ જ વખતે મેં નક્કી કરી લીધું કે એક દિવસ હું તેને આ કાર ખરીદી આપીશ.’
બર્થ-ડેના દિવસે તેણે મમ્મીને કૉલ કરીને ડિનર પર જવાનો પ્લાન જણાવ્યો હતો. તેની મમ્મી જ્યારે આવી ત્યારે તેણે પૂછ્યું કે ડિનરનું શું થયું? ત્યારે કારની તરફ ઇશારો કરી એનો જવાબ આપતાં કાર્તિકે કહ્યું કે ‘આ જ તારું ડિનર છે.’ ખુશ થયેલી મમ્મીએ કહ્યું કે ‘હું જાણતી હતી કે તું લઈશ, પરંતુ મને લાગ્યું કે એમાં હજી બે-ત્રણ વર્ષ લાગશે.’
એના પર રીઍક્ટ કરતાં કાર્તિકે કહ્યું, ‘થોડા તો બિશ્વાસ રખ્ખો અપને બેટે પે.’