28 March, 2024 06:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
કાર્તિક આર્યને ‘ચંદુ ચૅમ્પિયન’ માટે પોતાના પાત્રને સાકાર કરવા માટે ૧૪ મહિના બૉક્સિંગની ટ્રેઇનિંગ લીધી હતી. આ ફિલ્મમાં તે પૅરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટના રોલમાં દેખાવાનો છે. આ પાત્રમાં પૂરી રીતે ઢળી જવા માટે તેણે ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખ્યુ હતું. વીસ કિલો વજન ઘટાડવાની સાથે તેણે શુગર પૂરી રીતે છોડી દીધી હતી. કાર્તિક પહેલી વાર ફિઝિકલી ડિમાન્ડિંગ રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ પદ્મશ્રી મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે. તેમણે ૧૯૭૨માં જર્મનીમાં આયોજિત ૫૦ મીટરની ફ્રીસ્ટાઇલ સ્વિમિંગમાં પહેલી વખત ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. આ સિવાય તેમણે ભાલાફેંકમાં પણ ભાગ લીધો હતો. આમ તો તેઓ મૂળ રૂપે બૉક્સર હતા. તેઓ ભારતીય સેનામાં ઇલેક્ટ્રૉનિક્સ અને મેકૅનિકલ એન્જિનિયર્સની ટુકડીમાં ક્રાફ્ટ્સમૅન રૅન્ક-સોલ્જર હતા. જોકે યુદ્ધ દરમ્યાન તેમને અનેક ગોળીઓ વાગી હતી અને એને કારણે તેઓ અસક્ષમ થઈ ગયા હતા. ‘ચંદુ ચૅમ્પિયન’ને કબીર ખાને ડિરેક્ટ કરી છે. ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્રના વાઈમાં, કાશ્મીરમાં અને લંડનમાં કરવામાં આવ્યું છે.