03 December, 2022 05:41 PM IST | Mumbai | Harsh Desai
કાર્તિકની કમાલ
ફ્રેડી
કાસ્ટ : કાર્તિક આર્યન, અલાયા એફ
ડિરેક્ટર : શશાંક ઘોષ
સ્ટાર: 3/5
કાર્તિક આર્યનની ક્રાઇમ થ્રિલર ‘ફ્રેડી’ ગઈ કાલે ડિઝની + હૉટ-સ્ટાર પર સ્ટ્રીમ થઈ હતી. શશાંક ઘોષ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં તેની સાથે અલાયા એફ પણ જોવા મળી રહી છે. એકતા કપૂર અને ભૂષણ કુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મ કાર્તિકની સૌથી હટકે ફિલ્મમાંની એક છે.
સ્ટોરી ટાઇમ
ડેન્ટિસ્ટ ફ્રેડી જીનવાલાનું પાત્ર કાર્તિકે ભજવ્યું છે. તે માયશાદી.કૉમ પર છેલ્લાં પાંચ વર્ષથી છોકરી શોધી રહ્યો હોય છે.
તે ઍન્ટિ-સોશ્યલ હોય છે. તેને છોકરી સાથે વાત કરવામાં પણ ડર લાગતો હોય છે. એક દિવસ તેની મુલાકાત એક ફંક્શનમાં કૈનાઝ ઈરાની સાથે થાય છે. કૈનાઝનું પાત્ર અલાયાએ ભજવ્યું છે.
ત્યાર બાદ બીજા જ દિવસે દવાખાનામાં કૈનાઝ આવે છે. ત્યાર બાદ તેમની મુલાકાત વધવા લાગે છે. કૈનાઝનો પતિ તેને મારતો હોય છે. આથી તે ફ્રેડીની નિકટ આવે છે. તેમની વચ્ચે પ્રેમ જોવા મળે છે. જોકે આ સ્ટોરી અહીં પૂરી નથી થતી. અહીંથી ખરી સ્ટોરી શરૂ થાય છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
પરવીઝ શેખ દ્વારા ફિલ્મનો સ્ક્રીનપ્લે લખવામાં આવ્યો છે અને ડિરેક્ટ શશાંક ઘોષ દ્વારા કરવામાં આવી છે. ફિલ્મની સ્ટોરીને ખૂબ જ ધીમે અને પૂરતો સમય આપીને એકદમ સારી રીતે બિલ્ડ-અપ કરવામાં આવી છે. બીજા પાર્ટમાં સ્ટોરી થોડી પ્રીડિક્ટેબલ બને છે, પરંતુ કાર્તિકનો પર્ફોર્મન્સ ફિલ્મને બચાવી લે છે. ફિલ્મના ડાયલૉગ ખૂબ જ સામાન્ય છે. જોકે સ્ટોરી ટેલિંગ અને પર્ફોર્મન્સે ફિલ્મનો ચાર્મ જાળવી રાખ્યો છે. આ એક એવા પ્રકારની ફિલ્મ છે જેમાં રિસ્ક ઘણું હોય છે, પરંતુ શશાંક દ્વારા ખૂબ જ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પર્ફોર્મન્સ
કાર્તિક આર્યનને હંમેશાં તેના કૉમેડીવાળી ફિલ્મો કરવા માટે કહેવામાં આવે છે. જોકે તેણે એકદમ હટકે ફિલ્મ ‘ધમાકા’ આપી હતી. ત્યાર બાદ તે હવે ‘ફ્રેડી’માં એક અલગ જ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ માટે તેણે ૧૪ કિલો વજન વધાર્યું છે. તેની ઍક્ટિંગને કારણે ફિલ્મમાં ચાર ચાંદ લાગ્યા છે. તેની બૉડી લૅન્ગ્વેજ, તેની ઍક્ટિંગ, તેની ડાયલૉગ ડિલિવરી, તેનાં એક્સપ્રેશન્સ તમામ એકદમ અલગ છે. તે એક નવા જ રૂપમાં દેખાઈ રહ્યો છે અને જે વ્યક્તિ સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે બૉસ, એના માટે એક વાર ફિલ્મ જોવી રહી. અલાયા એફની આ બીજી ફિલ્મ છે એમ છતાં તેણે ખૂબ જ સારું કામ કર્યું છે. બીજા પાર્ટમાં તેના પાત્રને લખવામાં થોડી કલાકારી દેખાડવાની જરૂર હતી. તેનું એકમાત્ર પાત્ર એવું હતું જે થોડું રહસ્યમય લાગી રહ્યું હતું. તેની સ્ટોરી શું છે એ જાણવા માટે કુતૂહલ રહે એવું હતું. જોકે એને વધુ સારી રીતે લખી શકાયું હોત. માઇનસ પૉઇન્ટ એ છે કે કાર્તિક અને અલાયાની કેમિસ્ટ્રી એટલી જામતી નથી. ફિલ્મમાં ખૂબ જ ઓછાં પાત્ર છે, પરંતુ કાર્તિકે ફિલ્મને પોતાના ખભે ઉઠાવી છે.
મ્યુઝિક
ફિલ્મનું મ્યુઝિક પ્રીતમ દ્વારા આપવામાં આવ્યું છે. તુમ જો મિલે ગીત ખરેખર સારું છે. બૅકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મને વધુ થ્રિલિંગ બનાવવામાં ખરેખર મદદરૂપ બને છે.
આખરી સલામ
કાર્તિક આર્યન વારંવાર પ્રૂવ કરતો આવ્યો છે કે તે એક બૅન્કેબલ સ્ટાર છે અને આ ફિલ્મમાં પણ તેણે તેની ઍક્ટિંગ દ્વારા એ જણાવી દીધું છે.
ફાલતુ, ઠીક-ઠીક,
ટાઇમ પાસ,
પૈસા વસૂલ,
બહુ જ ફાઇન