વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે રિયલ સ્ટોરી છે

14 April, 2024 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીઅરની સૌથી મુશ્કેલ ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’ વિશે કાર્તિક આર્યને કહ્યું...

ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’

કાર્તિક આર્યનનું કહેવું છે કે તેણે જ્યારે ફિલ્મની ​સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ ફિલ્મને રિયલ સ્ટોરી પરથી બનાવવામાં આવી છે. કબીર ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ સ્ટોરી ૧૪ જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મ મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે. તેમણે ૧૯૭૨માં જર્મનીમાં આયોજિત ૫૦ મીટરની ફ્રીસ્ટાઇલ ​સ્વિમિંગમાં પહેલી વખત ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. આ સિવાય તેમણે ભાલાફેંકમાં પણ ભાગ લીધો હતો. આમ તો તેઓ મૂળ રૂપે બૉક્સર હતા. તેઓ ભારતીય સેનામાં ઇલેક્ટ્રૉનિક્સ અને મેકૅનિકલ એન્જિનિયર્સની ટુકડીમાં ક્રાફ્ટ્સમૅન રૅન્ક-સોલ્જર હતા. જોકે યુદ્ધ દરમ્યાન તેમને અનેક ગોળીઓ વાગી હતી અને એને કારણે તેઓ અસક્ષમ થઈ ગયા હતા. આ ફિલ્મ વિશે કાર્તિક કહે છે, ‘મેં અત્યાર સુધી કરેલી ફિલ્મોમાં ‘ચંદુ ચૅમ્પિયન’ ખૂબ જ મુશ્કેલ ફિલ્મ છે, કારણ કે એમાં ઘણી બધી વસ્તુઓ જોવા મળશે. મુરલીકાંત પેટકરની જર્ની કોઈ સામાન્ય નથી. મેં જ્યારે આ ફિલ્મની ​સ્ક્રિપ્ટ પહેલી વાર સાંભળી હતી ત્યારે મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ રિયલ સ્ટોરી છે. તેઓ ફક્ત એક જ રમત સાથે સંકળાયેલા નહોતા. તેમની લાઇફના જુદા-જુદા તબક્કે તેઓ જુદી-જુદી રમતોમાં જોડાયેલા હતા. તેઓ આર્મી-ઑફિસર પણ રહી ચૂક્યા હતા. આ એક એવી વ્યક્તિની સ્ટોરી છે જે લાઇફ સામે સરેન્ડર કરવા તૈયાર નહોતી. અમે તેમને ૧૭ વર્ષ, ૨૪ વર્ષ અને ત્યાર બાદના દેખાડવાની કોશિશ કરી છે. આથી તમે ફિલ્મ દરમ્યાન મારામાં ઘણાં ટ્રાન્સફૉર્મેશન જોઈ શકશો.’

kartik aaryan kabir khan bollywood news bollywood gossips bollywood entertainment news