સ્ટાર વૅલ્યુને લીધે પ્રૉફિટ ન થાય તો ફીમાં ઍક્ટરે ઘટાડો કરવો જોઈએ

08 June, 2024 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટાર્સ પર થતા નાહક ખર્ચાને અટકાવવાની વાત કરી કાર્તિકે

કાર્તિક આર્યન

કાર્તિક આર્યને હાલમાં જ ફિલ્મમાં સ્ટાર્સ પર થતા નાહક ખર્ચાઓને કાબૂમાં લાવવાની વાત કરી છે. તે ૧૪ જૂને રિલીઝ થનારી તેની આગામી ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અગાઉ ફારાહ ખાન કુંદર અને અનુરાગ કશ્યપે પણ સ્ટાર્સના એ ખર્ચા પર પ્રકાશ પાડ્યો હતો, જેનો ફિલ્મની સાથે કોઈ સંબંધ નથી હોતો. એને કારણે ફિલ્મનું બજેટ પણ વધી જાય છે. એ વિશે કાર્તિક કહે છે, ‘ફિલ્મ જ્યારે રિલીઝ થાય ત્યારે એની સાથે અનેક રાઇટ્સ પણ સંકળાયેલા હોય છે. એમાંથી ઘણો પ્રૉફિટ મળે છે. જો તમારી સ્ટાર વૅલ્યુ પ્રૉફિટમાં વધારો કરતી હોય અને એનો લાભ આખી ટીમને થાય તો એમાં કોઈ વાંધો નથી. જો આવું ન થાય તો ઍક્ટરે તેની ફી અને ખર્ચામાં ઘટાડો કરવો જોઈએ. આ વિશે ચર્ચા થવી જોઈએ.’

કાર્તિકની વાતને ટેકો આપતાં ડિરેક્ટર કબીર ખાન કહે છે, ‘આ એક ચર્ચાનો વિષય છે. ઍક્ટર્સ, ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ તરફથી એને સકારાત્મક રિસ્પૉન્સ મળી રહ્યો છે. દર્શકોની ફિલ્મોને જોવાની રીતભાત બદલાઈ ગઈ છે. થિયેટરમાં જઈને ફિલ્મો જોવાની તેમની ટેવમાં ઘટાડો આવ્યો છે. એથી આ ઘટાડો થવાથી અન્ય એવા કયા માર્ગો છે જેમાંથી આવક રળી શકાય છે એના પર ચર્ચા કરવાની જરૂર છે.’ 

kartik aaryan entertainment news bollywood bollywood news