08 April, 2023 05:11 PM IST | Bangalore | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
ભારતના ચૂંટણી પંચે (Election Commission Of India) શુક્રવારે વહેલી સવારે 66 કિલો ચાંદીના વાસણો જપ્ત કર્યા છે. આ વાસણોની કિંમત 39 લાખ રૂપિયા છે. કથિત રીતે આ વાસણો નિર્માતા બોની કપૂર (Producer Boney Kapoor)ના હોવાનું કહેવાય છે. આ વાસણો કર્ણાટકના દાવનગેરેના બહારના વિસ્તારમાં હેબ્બાલુ ટોલ નજીક ચેકપોસ્ટ પર જપ્ત કરવામાં આવ્યા છે.
BMW કારમાં ચાંદીના વાસણો મળ્યા
અહેવાલ મુજબ, ચાંદીના વાસણો કોઈપણ યોગ્ય દસ્તાવેજો વિના બીએમડબ્લ્યુ કારમાં ચેન્નાઈથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યા હતા. વાસણો પાંચ બોક્સમાં રાખવામાં આવ્યા હતા. ઈન્ડિયા ટુડેએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે “ચૂંટણી પંચના અધિકારીઓએ ચાંદીના વાટકા, ચમચી, પાણીના જગ અને પ્લેટો જપ્ત કરી છે. કાર ડ્રાઈવર સુલતાન ખાન અને પેસેન્જર હરિ સિંહ વિરુદ્ધ દાવંગેરે ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ કાર બોની કપૂરની માલિકીની બેવ્યુ પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના નામ પર રજિસ્ટર છે.
તપાસ દરમિયાન થયો ખુલાસો
તપાસ દરમિયાન હરિ સિંહે કબૂલાત કરી હતી કે ચાંદીના વાસણો બોલિવૂડ ફિલ્મમેકર બોની કપૂરના પરિવારના છે. ચૂંટણી અધિકારીઓએ સંબંધિત દસ્તાવેજો રજૂ ન કરવા બદલ ચાંદીની વસ્તુઓ જપ્ત કરી છે. ચૂંટણી પણ એ પણ તપાસ કરી રહ્યું છે કે તે ચાંદીના વાસણો બનાવનાર બોની કપૂરના પરિવારનો છે કે નહીં.
આ પણ વાંચો: સુપરસ્ટાર વ્યસ્ત હોવાથી નવા ઍક્ટર્સ ફી વધારી દે છે : સલમાન
બોની કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેમણે હવે ફિલ્મોનું નિર્માણ કરવાની સાથે અભિનયની દુનિયામાં પણ પ્રવેશ કર્યો છે. તે છેલ્લે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘તુ જૂઠી મેં મક્કર’માં જોવા મળ્યા હતા. આમાં તેમની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા અને અનુભવ બસ્સીએ પણ કામ કર્યું હતું.