06 May, 2024 06:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર ખાન
UNICEF એટલે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ ઇમર્જન્સી ફન્ડ, જે બાળકોને સ્વાસ્થ્ય, એજ્યુકેશન અને પોષણયુક્ત આહાર મળે એ દિશામાં કામ કરે છે. કરીના કપૂર ખાનને UNICEF ઇન્ડિયાની ઍમ્બૅસૅડર બનાવવામાં આવી છે. અગાઉ કરીના UNICEF ઇન્ડિયાની સેલિબ્રિટી ઍડ્વોકેટ તરીકે કામ કરતી હતી. હવે ઍમ્બૅસૅડર બનીને તે બાળકોના ભવિષ્ય માટે વધુ સક્રિયતાથી કામ કરશે. બાળકોના મૂળભૂત અધિકારને વાચા આપતાં કરીના કહે છે, ‘બાળકોને મૂળભૂત અધિકાર મળે એ ખૂબ અગત્યનું છે. UNICEF ઇન્ડિયાની ઍમ્બૅસૅડર બનીને હું સન્માનિત થઈ છું. હું બાળકોના અધિકાર, તેમના શિક્ષણ અને જેન્ડર સમાનતા પર કામ કરીશ. દરેક બાળકને સમાન હક મળવો ખૂબ જરૂરી છે.’
મમ્મી કરીના બિઝી હોવાથી નારાજ છે દીકરો તૈમુર
કરીના કપૂર ખાન બિઝી હોવાથી બાળકને પૂરતો સમય નથી આપી શકતી એવું તેનો મોટો દીકરો તૈમુર કહે છે. દીકરાએ કરેલી ફરિયાદ વિશે કરીના કહે છે, ‘મને એવું લાગે છે કે જે બાળકો તેમનાં માતા-પિતા બન્નેને કામ કરતાં જુએ છે તેમનામાં એક પ્રકારની સન્માનની લાગણી આવે છે. આજે મારાં બાળકોને રજા છે અને તેમની ઇચ્છા છે કે હું પણ તેમની સાથે ઘરે રહું. જોકે મારે કામ માટે બહાર નીકળવું પડ્યું હતું. તૈમુરે કહ્યું કે ‘તું હંમેશાં દિલ્હી અને દુબઈ કામ માટે જાય છે. મારે પણ તારી સાથે આવવું છે.’ મેં તેને જણાવ્યું કે કામ પણ અગત્યનું છે. મેં તેને પ્રૉમિસ કર્યું કે ઘરે આવીને તને હું વધુ સમય આપીશ. આમ તેને એમ ન લાગે કે હું તેના પર ધ્યાન નથી આપી રહી.’