06 March, 2023 04:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર અને આદિત્ય ચોપડા
કરણ જોહર અને આદિત્ય ચોપડા વચ્ચે ‘કભી અલવિદા ના કહના’ના શૂટિંગ વખતે ઝઘડો થયો હતો. આ ફિલ્મમાં શાહરુખ ખાન, રાની મુખરજી, પ્રીતિ ઝિન્ટા અને અભિષેક બચ્ચન લીડ રોલમાં હતાં. લગ્નજીવન દરમ્યાન કપલ વચ્ચેના મતભેદને એમાં દેખાડવામાં આવ્યા હતા. જોકે એમાં શાહરુખ અને રાની વચ્ચે ઇન્ટિમેટ સીક્વન્સ શૂટ કરવાને લઈને કરણ અને આદિત્ય વચ્ચે ઝઘડો થયો. એ વિશે કરણ જોહરે કહ્યું કે ‘એ સીક્વન્સ પાછળ એક સ્ટોરી છે. હું એવા મોટા લોકેશન પર હતો કે જ્યાં બહાર સ્નોફૉલ થઈ રહ્યો હતો. આદિત્યએ મને કૉલ કરીને કહ્યું કે ‘હું છેલ્લા થોડા દિવસોથી વિચારી રહ્યો છું અને એ વાત મારા દિમાગમાં ફરી રહી છે. મને નથી લાગતું કે તેમણે સેક્સ કરવું જોઈએ. મને એવું લાગે છે કે ભારતમાં આ વાત સ્વીકારવામાં આવશે નહીં. તેમણે એક એવા મુકામે આવવું જોઈએ જ્યાં તેઓ એકબીજાને છોડી દે અને મનમાં પસતાવો થવો જોઈએ.’ મેં તેમને કહ્યું કે ‘ના, હું આ સીન શૂટ કરીશ. એવું કેવી રીતે શક્ય કે છે કે તમે રિલેશનશિપમાં હો અને સેક્સ ન કરો?’ આવો ઝઘડો અમારો ફોન પર થયો હતો. બાદમાં જ્યારે મેં ફિલ્મ જોઈ તો મને લાગ્યું કે તેઓ બરાબર કહેતા હતા. મને એવું લાગ્યું કે દેશમાં આ લવ સ્ટોરીને ખૂબ સારી રીતે સ્વીકાર કરવામાં આવત જો એમાં ફિઝિકલ ઇન્ટિમેટ રિલેશનશિપનો ઉમેરો કરવામાં ન આવ્યો હોત.’