16 August, 2024 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છઠ્ઠી સપ્ટેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘ઇમર્જન્સી’નું ટ્રેલર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં કંગના રનૌત
હિમાચલ પ્રદેશના મંડીથી સંસદસભ્ય બનેલી કંગના રનૌતે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘ઇમર્જન્સી’નું ટ્રેલર બુધવારે લૉન્ચ કરવામાં આવ્યું હતું. પોતાનો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ બૉયકૉટ કર્યો હતો એ જણાવતાં તે ખૂબ ઇમોશનલ થઈ ગઈ હતી. સાથે જ તેણે જણાવ્યું કે કેટલાક લોકો તેની કરીઅર બરબાદ કરવા માગતા હતા. હવે તે ‘ઇમર્જન્સી’ ફિલ્મ લઈને આવી છે. એમાં તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે. દેશમાં ૧૯૭૫થી ૧૯૭૭ સુધી લાગેલી ઇમર્જન્સીને આ ફિલ્મના માધ્યમથી દેખાડવામાં આવશે. આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. પોતાની આપવીતી સંભળાવતાં કંગના કહે છે, ‘હું મારી લાગણીને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. મારા માટે આ ખૂબ લાંબી જર્ની રહી છે. હું અનેક લોકોનો આભાર માનવા માગું છું. ખાસ કરીને રાઇટર વિજયેન્દ્ર પ્રસાદનો જેમણે મારું માર્ગદર્શન કર્યું હતું. ફિલ્મ બનાવતી વખતે અમને ખૂબ અડચણો પડી હતી. સ્પેશ્યલ થૅન્ક્સ મારા કલાકારોનો, કારણ કે દરેક જાણે છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ મારો બૉયકૉટ કર્યો છે. મારા પડખે ઊભા રહેવું, મારી સાથે ફિલ્મમાં કામ કરવું અને મારી પ્રશંસા કરવી એ તેમના માટે સરળ નહોતું. જોકે તેમણે મારા માટે આ બધું કર્યું. અમારી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ મારી ફિલ્મને અને મારી કરીઅરને બરબાદ કરવાનો પાક્કો નિર્ધાર કર્યો હતો.’