19 August, 2024 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
કંગના રનૌતે બૉલીવુડની સેલિબ્રિટીઝની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમને સ્ટુપિડ અને ડમ્બ કહ્યાં છે. કંગના મુજબ આ લોકો પાસે બ્રૅન્ડેડ બૅગ્સ અને મોંઘીદાટ ગાડીઓ સિવાય ચર્ચા કરવા માટે કોઈ વિષય નથી હોતો. બૉલીવુડના લોકોનો ઊધડો લેતાં કંગના કહે છે, ‘હું બૉલીવુડના લોકો જેવી વ્યક્તિ નથી. તેમની સાથે તો હું ફ્રેન્ડશિપ ન જ કરી શકું. એ લોકો પોતાનામાં જ મસ્ત રહે છે. તેઓ સ્ટુપિડ અને ડમ્બ છે. તેઓ પ્રોટીન શેક પીએ છે અને એવી લાઇફ જીવે છે.’
તેમના રૂટીન વિશે કંગના કહે છે, ‘તેઓ જ્યારે શૂટિંગ ન કરતા હોય ત્યારે વહેલી સવારમાં જાગે છે, ફિઝિકલ ટ્રેઇનીંગ કરે છે, બપોરે સૂઈ જાય છે, ફરીથી જાગે છે, જિમમાં જાય છે અને રાતે પાછા ટીવી જુએ છે અને સૂઈ જાય છે. તેઓ તીતીઘોડાની જેમ બ્લૅન્ક હોય છે. આવા લોકોને તમે કેવી રીતે ફ્રેન્ડ બનાવી શકો? તેમને એ પણ જાણ નથી હોતી કે ક્યાં શું ચાલી રહ્યું છે.’
બૉલીવુડની પાર્ટીઓ પર પ્રકાશ પાડતાં કંગના કહે છે, ‘હું પોતે ચોંકી ગઈ છું કે બૉલીવુડમાં એકેય વ્યક્તિ એવી નથી જે બ્રૅન્ડેડ બૅગ્સ અને મોંઘીદાટ ગાડીઓ સિવાય કોઈ મુદ્દાઓ પર ચર્ચા કરે. તેઓ મળે છે અને ડ્રિન્ક્સ કરે છે. તેમની વચ્ચે જે ચર્ચાઓ થાય છે એ શરમજનક હોય છે. મારા માટે બૉલીવુડની પાર્ટીઓ ટ્રૉમા જેવી છે. મેં જે પણ કહ્યું છે એમાંથી એકેય વાત ખોટી નથી. હું કદી પણ કોઈની સાથે ઝઘડો નથી કરતી, પરંતુ હું એ વાતની ખાતરી રાખું છું કે ઝઘડાને ખતમ કરવામાં આવે.’
ત્રણેય ખાનને ફિલ્મમાં ડિરેક્ટ તો કરવા છે, પરંતુ તેમની સાથે કામ નથી કરવું કંગના રનૌતને
કંગના રનૌતે તાજેતરમાં જ ઇચ્છા વ્યક્ત કરી કે તેને સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાનને એક ફિલ્મમાં ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવા છે, પરંતુ તેમની સાથે ફિલ્મમાં કામ નથી કરવું. એનું કારણ છે કે તેમની ફિલ્મોમાં હિરોઇનના ભાગે કાંઈ ખાસ કરવા જેવું નથી હોતું. ભૂતકાળમાં તેમની સાથેની ફિલ્મોની ઑફર્સને કંગનાએ ઠુકરાવી દીધી હતી. ખાન્સ સાથે કામ ન કરવાનું કારણ જણાવતાં કંગના કહે છે, ‘મેં ખાનની ફિલ્મોની ઑફર્સને ઠુકરાવી દીધી હતી. બધા ખાન્સનું વર્તન મારી સાથે સારું છે. તેમણે કદી પણ મારી સાથે ખરાબ વર્તન નથી કર્યું. એવા કેટલાક લોકો છે જેમણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે, પરંતુ ખાન્સ એમાંના નથી. જોકે મેં તેમની ફિલ્મોને ના કહી દીધી હતી, કારણ કે તેમની ફિલ્મો પ્રોટોટાઇપ્સ હોય છે જેમાં હિરોઇનના ફાળે માત્ર બે સીન અને એકાદ ગીત આવે છે. મારે એક એવું ઉદાહરણ પૂરું પાડવું છે કે એક મહિલા જે A-લિસ્ટર છે, ટોચની ઍક્ટ્રેસ છે અને જેણે ખાન્સ સાથે કામ નથી કર્યું.’
કંગનાની ઇચ્છા છે કે જે પણ મહિલાઓ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કરીઅર બનાવવા આવે તેમના માટે ખાસ કામ કરવું છે. એ વિશે કંગના કહે છે, ‘હું એ મહિલાઓ માટે કાંઈક ખાસ કરવા માગું છું જે મારા પછી ઇન્ડસ્ટ્રીમાં આવશે. કોઈ ખાન્સ તમને સફળ નહીં બનાવી શકે. કોઈ કુમાર કે કપૂર તમને સફળ નહીં બનાવી શકે. મેં રણબીર કપૂર અને અક્ષયકુમારની ફિલ્મો માટે પણ ના પાડી હતી. હું પ્રોટોટાઇપ નથી બનવા માગતી કે માત્ર હીરો જ હિરોઇનને સફળ બનાવી શકે છે. આવું જરાય નથી, તમે જાતે તમારી મહેનતથી સફળ બની શકો છો. મેં એ ઉદાહરણ બેસાડ્યું છે.’