22 January, 2023 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ઇમર્જન્સી’ માટે બધી પ્રૉપર્ટી ગીરવી મૂકી છે કંગનાએ
કંગના રનોટે તેની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ માટે પોતાની બધી પ્રૉપર્ટી ગીરવી મૂકી છે. આ ફિલ્મને તે ડિરેક્ટ કરવાની સાથે પ્રોડ્યુસ પણ કરી રહી છે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરવા માટે તેણે તેની પ્રૉપર્ટી સાથે જોખમ લીધું છે. તેની છેલ્લી કેટલીક ફિલ્મો બૉક્સ-ઑફિસ પર નથી ચાલી. જોકે આ ફિલ્મમાં તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અનુપમ ખેર, સતીશ કૌશિક, મિલિંદ સોમણ, શ્રેયસ તલપડે અને વિશાક નાયર લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ દેશમાં લાગેલી ઇમર્જન્સી પર આધારિત છે. ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘એક ઍક્ટર તરીકે મેં ‘ઇમર્જન્સી’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ મારી લાઇફનો ભવ્ય તબક્કો છે. એવું લાગે છે કે હું એમાંથી આરામદાયક રીતે પસાર થઈ ગઈ છું, પરંતુ વાસ્તવિકતા તો ઘણી દૂર છે. મારી માલિકીની દરેક પ્રૉપર્ટીને ગીરવી મૂકવાથી માંડીને, ફિલ્મના પહેલા શેડ્યુલમાં મને ડેન્ગી થયો હતો અને મારા બ્લડ સેલ કાઉન્ટ્સ ઘટવા માંડ્યા આમ છતાં ફિલ્મ પર કામ કર્યું. એક વ્યક્તિ તરીકે મારા કૅરૅક્ટરની ખૂબ કસોટી થઈ હતી. હું મારી લાગણીઓને લઈને હંમેશાં સોશ્યલ મીડિયા પર મુક્તપણે વાત કરુ છું, પરંતુ મેં આ બધું શૅર નહોતું કર્યું. પ્રામાણિકપણે કહું તો હું નહોતી ઇચ્છતી કે જે લોકો મારી કાળજી લે છે તેઓ ચિંતા કરે. સાથે જ જે લોકો મને નીચી દેખાડવા માગે છે તેમને મારી તકલીફ જાણીને આનંદ મળે એ હું નહોતી ઇચ્છતી. હું બધાને એ કહેવા માગું છું કે તમારાં સપનાં પૂરાં કરવા માટે સખત મહેનત કરો. તમારે પૂરી લગનથી કામ કરવાનું રહેશે. જો તમે લાયક હશો તો પણ તમારી અનેક ઠેકાણે કસોટી કરવામાં આવશે અને તમારે તૂટવાનું નહીં. શક્ય હોય ત્યાં સુધી તમે મહેનત કરતા રહો. જો મહેનત કરતી વખતે તમે તૂટી પણ જાઓ છો તો તમે પોતાને નસીબદાર માનો. એને સેલિબ્રેટ કરો, કેમ કે એ તમારો પુનર્જન્મ રહેશે. મને આ પણ આ મારા નવા જન્મનો એહસાસ થાય છે. મારી અતિશય ટૅલન્ટેડ ટીમનો હું આભાર માનું છું. તા.ક. જે લોકોને મારી પરવા છે તેમને જણાવવા માગું છું કે હું સલામત છું. હું જીવિત ન હોત તો આ બધું તમારી સાથે શૅર ન કરત. ચિંતા ન કરો. મને તમારા આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.’