06 July, 2023 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘દો પત્તી’ મિસ્ટરી-થ્રિલર લઈને આવશે કાજોલ અને ક્રિતી
કાજોલ અને ક્રિતી સૅનન આગામી મિસ્ટરી-થ્રિલર ‘દો પત્તી’માં સાથે જોવા મળવાની છે. બન્નેએ આ અગાઉ ‘દિલવાલે’માં કામ કર્યું હતું. આ ફિલ્મને કનિકા ઢિલ્લન સાથે મળીને ક્રિતી સૅનને તેના બ્લુ બટરફ્લાય ફિલ્મ્સ નામના પ્રોડક્શન હાઉસ હેઠળ પ્રોડ્યુસ કરી છે. કનિકા ઢિલ્લને ફિલ્મની સ્ટોરી પણ લખી છે. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ફિલ્મની જાહેરાત કરતાં કાજોલ અને કનિકા સાથેનો પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી, ‘મને ‘દો પત્તી’ની અનાઉન્સમેન્ટ કરવાની ખુશી થઈ રહી છે. મારી સાથે ૩ સ્ટ્રૉન્ગ, પ્રેરણાદાયી અને અતિશય ટૅલન્ટેડ મહિલાઓ છે. અમારી સ્ટોરી દેખાડવા માટે નેટફ્લિક્સ ઇન્ડિયાથી સારું પ્લૅટફૉર્મ અમને કોઈ નથી લાગતું. ૮ વર્ષ બાદ કાજોલ મૅમ સાથે કામ કરવા માટે સુપર ડુપર એક્સાઇટેડ છું. કનિકા, મને હંમેશાં તારું રાઇટિંગ પસંદ આવ્યું છે. તારી સાથે મારી પહેલી ફિલ્મ પ્રોડ્યુસ કરવાની મને ખુશી છે. ઉફ આ મારા માટે સ્પેશ્યલ છે. આ એક થ્રિલિંગ ગેમ થવાની છે જેમાં દિલથી કામ કરી રહ્યાં છીએ. બ્લુ બટરફ્લાય ફિલ્મ્સની આ પહેલી ફિલ્મ છે.’
ફિલ્મમાં જોડાવાની ખુશી વ્યક્ત કરતાં કાજોલે કહ્યું કે ‘હું ‘િત્રભંગા’ અને ‘લસ્ટ સ્ટોરીઝ 2’ બાદ નેટફ્લિક્સ સાથે ‘દો પત્તી’માં ફરીથી કામ કરવા માટે ખુશ છું. આ પ્લૅટફૉર્મ પર કામ કરવું એક્સાઇટિંગ છે, કેમ કે એ હટકે દેખાડવાની તક આપે છે. સાથે જ વિશ્વભરના દર્શકોને આકર્ષિત કરશે. ‘દો પત્તી’ની સ્ક્રિપ્ટમાં સાહસ અને મિસ્ટરીનો અનોખો સંગમ જોવા મળશે. એની સ્ટોરી ભારતની છે પરંતુ મનોરંજનની ઇચ્છા રાખનારા વિશ્વભરના દર્શકોને એ થ્રિલ અપાવશે.’
બીજી તરફ ફિલ્મને પ્રોડ્યુસ કરનાર ક્રિતીએ કહ્યું કે ‘મારી ‘દો પત્તી’ની સ્ક્રિપ્ટ મારા દિલમાં ખાસ સ્થાન ધરાવે છે, કેમ કે એક પ્રોડ્યુસર તરીકે હું મારા પ્રોડક્શન હાઉસ બ્લુ બટરફ્લાય ફિલ્મ્સ દ્વારા એને પ્રોડ્યુસ કરી રહી છું. ફિલ્મમેકિંગની દરેક બાબત મને પસંદ છે અને જે સ્ટોરી મારા દિલને સ્પર્શી જાય એમાં ક્રીએટિવલી જોડાવાની મારી ઇચ્છા રહી છે. મને અંદરથી એવી પ્રેરણા મળી હતી કે હું હવે ગિયર શિફ્ટ કરવા માટે તૈયાર છું અને હજી ઘણુંબધું કરવા માગું છું.’