26 August, 2022 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૉન એબ્રાહમનો ‘પઠાન’નો ખૂંખાર વિલન
જૉન એબ્રાહમનો ‘પઠાન’નો ખૂંખાર વિલન તરીકેનો લુક શૅર કરવામાં આવ્યો છે. એ પોસ્ટરમાં તે હાથમાં ગન લઈને ઊભો છે અને તેની પાછળ આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે પચીસ જાન્યુઆરીએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. ફિલ્મને લઈને સિદ્ધાર્થે કહ્યું કે ‘ફિલ્મ ‘પઠાન’ને લઈને જે પણ જાહેરાત કરવામાં આવે છે એ ફૅન્સ અને દર્શકોમાં ફિલ્મની રિલીઝને લઈને ઉત્સુકતા જગાવે છે. અમારી ઇચ્છા છે કે ‘પઠાન’ની દરેક બાબતને લઈને ચર્ચા કરવામાં આવે, કારણ કે સદનસીબે અમારી કન્ટેન્ટ ચર્ચા નિર્માણ કરે એવી છે. જૉન એબ્રાહમ એક વિલન છે. ‘પઠાન’નો એ ધ વિલન છે. મારું હંમેશાંથી એવું માનવું છે કે વિલનને હંમેશાં ભવ્યતાપૂર્વક દેખાડવો જોઈએ. જો વિલન શક્તિશાળી હશે તો જ લડાઈ જોવાલાયક રહેશે. શાહરુખ અને જૉન વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે. અમારી ઇચ્છા હતી કે જૉનને ચાલાક દેખાડવામાં આવે. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ બાદ હવે જૉનનો લુક દર્શકોને અમારી ફિલ્મના ઝોનની ઝલક ખરા અર્થમાં દેખાડશે. લોકોને હવે ‘પઠાન’ના વિશ્વનો અંદાજો આવી ગયો છે. આ તો એક આઇસબર્ગનું ટીપું માત્ર છે. હું તમને ખાતરી આપું છું કે તમને સપનેય ખ્યાલ નહીં હોય કે આ ફિલ્મમાં તમને શું જોવા મળવાનું છે.’
પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જૉન એબ્રાહમે કૅપ્શન આપી હતી, ‘લાઇફ ટાઇમનું મિશન શરૂ થવાનું છે. યશરાજ ફિલ્મ્સ ૫૦ સાથે ‘પઠાન’ને ૨૦૨૩ની પચીસ જાન્યુઆરીએ થિયેટરમાં સેલિબ્રેટ કરો. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે.’