12 October, 2024 10:00 AM IST | Mumbai | Parth Dave
‘જિગરા’નું પોસ્ટર
`જિગરા` રિવ્યુ: સ્ટાર 2.0
૨૦૧૦માં એક અમેરિકન ક્રાઇમ–થ્રિલર ફિલ્મ આવી હતી : ‘ધ નેક્સ્ટ થ્રી ડેય્ઝ’, જેમાં જુઠ્ઠા ખૂનકેસમાં જેલમાં ગયેલી પત્નીને તેનો પતિ છોડાવે છે. ના, કાયદેસર રીતે નહીં, પત્નીને છોડાવવા તે સામ-દામ-દંડ-ભેદ બધું કરી છૂટે છે. આ ફિલ્મ ‘પૌર ઍલે’ (ઍનિથિંગ ફૉર હર) નામની ફ્રેન્ચ ફિલ્મની રીમેક હતી. ‘ધ નેક્સ્ટ થ્રી ડેય્ઝ’ પરથી આ વર્ષે હિન્દીમાં ‘સાવી’ નામની ફિલ્મ બની જેમાં દિવ્યા ખોસલા મુખ્ય પાત્ર ભજવે છે. મૂળ ફિલ્મમાં પતિ પત્નીને છોડાવે છે. ‘સાવી’માં પાત્રો ઊલટસૂલટ કરી દેવાયેલાં. એમાં પતિને તેની પત્ની છોડાવે છે. ભૂષણ કુમારની સાથે મુકેશ ભટ્ટે પ્રોડ્યુસ કરેલી ‘સાવી’ બહુ જ નબળી ફિલ્મ હતી. આજુબાજુ હર્ષવર્ધન રાણે અને અનિલ કપૂર હોવા છતાં દિવ્યાના અભિનય અને ફિલ્મને કોઈ ન બચાવી શક્યું. મુકેશ ભટ્ટની ભત્રીજી એવી આલિયા ભટ્ટ અભિનીત ‘જિગરા’માં ખોટા કેસમાં જેલમાં ગયેલા ભાઈને તેની બહેન છોડાવે છે. વાર્તામાં આ ફેરફાર અને ટ્રીટમેન્ટ સિવાય ખાસ કંઈ નવું નથી.
અબ તક બચ્ચન!
ડિરેક્ટર વાસન બાલા હોય એટલે હિન્દી ફિલ્મોની નોસ્ટૅલ્જિક મોમેન્ટ્સ હોવાની. અહીં તો ટ્રેલરમાં જ દેવ આનંદ–ઝીનત અમાનની ‘હરે રામા હરે કૃષ્ણા’નું ગીત ‘ફૂલોં કા તારોં કા સબ કા કહના હૈ, એક હઝારોં મેં મેરી બહના હૈ’ સંભળાયું હતું. બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ફિલ્મની શરૂઆત કડક છે. મસાલા ફિલ્મો જેવી નથી, પણ જોવી ગમે છે. પાત્રોનું એસ્ટૅબ્લિશમેન્ટ સ-રસ થયું છે. આલિયા ભટ્ટ જેને છોડાવવા આકાશ-પાતાળ એક કરે છે તે ભાઈનું પાત્ર વેદાંગ રૈના ભજવે છે. આલિયાનું નામ સત્યા છે. બન્નેનાં માતા-પિતા નથી. પિતાની ખોટ સત્યાને હંમેશાં ખટકે છે. તે તેના ભાઈને ગુમાવવા નથી માગતી. ભાઈ પોતાના કામ માટે હાંસી દાઓ નામના દેશમાં જાય છે અને ત્યાં ખોટા કેસમાં જેલમાં ફસાય છે. આલિયાને અહીં ખબર પડે છે અને તે નીકળી પડે છે ભાઈને બચાવવા. એક સગાએ ભાઈ-બહેનને મોટાં કર્યાં છે પણ એની ‘કિંમત’ પણ વસૂલી છે. સત્યા તેના બાળપણના કારણે અંદરથી શાંત નથી એ શરૂઆતનાં તમામ દૃશ્યોમાં દેખાય છે. અહીં આલિયા ભટ્ટ ઝળકે છે અને જ્યારે ભાઈને જેલમાં જોવા જાય છે ત્યારે તે ડરેલી છે. પોતે જિદ્દી પણ છે અને ભાઈની સામે ખુશ પણ દેખાવાનું છે. અહીં આલિયા ભટ્ટે નોંધનીય કામ કર્યું છે. ભાઈ–બહેન વચ્ચેનાં દૃશ્યોમાં પણ ઇમોશનલ બૉન્ડિંગ દેખાય છે.
ગઈ કાલે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ હતો અને ‘જિગરા’માં ઠેર ઠેર બચ્ચનની ફિલ્મોના રેફરન્સિસ છે. તેમની ‘અગ્નિપથ’ના ડાયલૉગ તથા ‘ઝંજીર’નાં બે ગીતોનો ફિલ્મમાં ઉપયોગ થયો છે. ‘કહને કો યહ શહર હૈ, મગર યહાં જંગલ કા કાનૂન ચલતા હૈ, માલૂમ?વાળો’ સીન ચાલે છે અને આલિયા ભટ્ટનું પાત્ર ‘તૈયાર’ થઈ રહ્યું છે. અહીં સુધી વાંધો નથી આવતો. ભાઈનું જેલમાં જવાનું ફિક્સ હતું એટલે કે ટ્રેલર થકી જ આપણને ખબર હતી કે બહેન છોડાવવાની છે ભાઈને. એ પૉઇન્ટ ફિલ્મમાં ઇન્ટરવલ પહેલાં જ આવી જાય છે. સત્યાની મદદે મુથુ (રાહુલ રવિન્દ્રન્) અને ભાટિયા (મનોજ પાહવા) આવે છે. હવે આવતી રોમાંચક મોમેન્ટ્સમાં ફિલ્મ માર ખાઈ ગઈ છે. અને વાસન બાલાની હટકે ટ્રીટમેન્ટ અહીં માઇનસ પૉઇન્ટ બની ગઈ છે. તેમણે ક્લાઇમૅક્સમાં બૅકગ્રાઉન્ડમાં મૂકેલું ‘ઝંજીર’નું ગીત ‘ગર ખુદા મુઝસે કહે કુછ માંગ અય બંદે મેરે’ ધારી અસર નથી ઉપજાવી શકતું. આલિયા જેવી સશક્ત અભિનેત્રી હોવા છતાં એવું ઘણી જગ્યાએ થયું છે. સટાસટ ચાલતાં ઍક્શન દૃશ્યોમાં આ પ્રકારનું પશ્ચાદ્ સંગીત અને સ્લો-મોશન દૃશ્યો દર્શકોને ફિલ્મની પકડમાંથી દૂર કરી દે છે.
વાર્તા બાદ ફિલ્મનો બીજો મોટો માઇનસ પૉઇન્ટ ફિલ્મનું સંગીત છે. ત્રણ ગીત તો જૂનાં છે અને ત્રણ નવાં પંજાબી ગીતો છે. ત્રણમાંથી એકેય યાદ રહે એવાં નથી.
યે હૈ અગ્નિપથ
આલિયાની સાથે મનોજ પાહવાનું કામ સારું છે. થોડીક કૉમિક રિલીફ પણ તેમના થકી જ મળી છે. આગળ કહ્યું એમ ‘અગ્નિપથ’ના રેફરન્સ સાથે બચ્ચન બનવાની સફરે નીકળેલું આલિયા ભટ્ટનું પાત્ર આગળ એ રીતે વિકસી નથી શક્યું. એ પાત્ર નિર્દોષ ભાઈને બચાવવા પોતે જ નિર્દયી બની જાય છે. અમુક જગ્યાએ લૉજિકનાં પણ મસમોટાં ગાબડાં છે. શરૂઆતથી એવું બતાવવામાં આવે છે કે ભાઈ માટે સત્યા કંઈક એવું કરશે કે જેનાથી સિસ્ટમ ધ્રૂજી જશે, પણ એ ઇમ્પૅક્ટ છેલ્લે આવતી નથી.
વાસન બાલાએ સોશ્યલ–પૉલિટિકલ કમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. હાંસી દાઓ નામનો કાલ્પનિક દેશ છે, પણ એક સંવાદમાં કહેવાય છે કે આ દેશમાં હસવા અને રડવા પર પણ પેનલ્ટી છે. નૉર્થ કોરિયા તરફ ક્યાંક ઇશારો છે. ત્યાં ‘ઇન્કિલાબ ઝિન્દાબાદ’ જેવા નારા બોલવા પર સખત સજા છે, પણ આ બધું માત્ર એક રેફરન્સ પૂરતું રહી જાય છે. એક જગ્યાએ મનોજ પાહવાના પાત્રે પહેરેલા ટી-શર્ટ પર ‘ઉર્ફ પ્રોફેસર’ લખેલું છે. આ રેફરન્સ તેમની ૨૦૦૧માં આવેલી ફિલ્મ સાથે જોડાયેલો છે, પણ આનાથી સામાન્ય દર્શકોના મનોરંજનમાં કંઈ ઉમેરો નથી થતો.
આ ફિલ્મ જોવાનું જિગર કરાય?
ફિલ્મમાં વાસન બાલાએ (પ્રયત્નપૂર્વક) એક ડાયલૉગ મૂક્યો છેઃ ‘યે મસાલા મૂવી થોડી હૈ, યે કૉમ્પ્લિકેટેડ હૈ.’ પણ ‘જિગરા’ મસાલા બનવાની પૂરી કોશિશ કરે છે અને વચ્ચે અચાનક ગંભીર ને ધીમી થઈ જાય છે. એના કારણે અડધો કલાક જેટલી લાંબી પણ લાગે છે. નવરાત્રિના કારણે ગઈ કાલે સવારના શોઝ તો ખાલી જ હતા. સ્વાભાવિક છે કે રાતના પણ બહુ ભરેલા નહીં હોય. આલિયા ભટ્ટનો અભિનય ગમતો હોય અને ટ્રેલર રુચિકર લાગ્યું હોય તો ટ્રાય કરાય.