14 February, 2025 07:05 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
જયા બચ્ચન
સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય જયા બચ્ચને રાજ્યસભામાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની અવગણનાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કેન્દ્રીય બજેટ ૨૦૨૫-’૨૬ની સામાન્ય ચર્ચા દરમ્યાન સરકાર પર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે નાણાપ્રધાન નિર્મલા સીતારમણને ઇન્ડસ્ટ્રીની મદદ કરવા વિનંતી કરી હતી.
રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ ૨૦૨૫-’૨૬ પરની ચર્ચા દરમ્યાન જયા બચ્ચને જણાવ્યું હતું કે ‘ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને તમે સંપૂર્ણ રીતે અવગણી છે. અગાઉની સરકારો પણ આવું જ કરતી આવી છે અને હવે તો એનું પ્રમાણ વધી ગયું છે. જ્યારે તમને જરૂર પડે છે ત્યારે તમે તેમને બોલાવીને ફોટો પડાવી લો છો અને પછી તેમને અવગણો છો. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી વિશે તમે શું વિચાર્યું છે? GST છોડો. હાલત એટલી ખરાબ છે કે બધી સિંગલ સ્ક્રીન બંધ થઈ ગઈ છે. બધું ઘણું મોંઘું થઈ ગયું છે. શું તમે આ ઇન્ડસ્ટ્રીને ખતમ કરવા માગો છો? આવું ખોટું પગલું ન ભરવું જોઈએ.’
જયા બચ્ચને સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે ‘આજની સરકાર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને સંપૂર્ણપણે ખતમ કરવા માગે છે. આ એકમાત્ર ઇન્ડસ્ટ્રી છે જે ભારતને આખી દુનિયા સાથે જોડે છે. રોજમદારી પર કામ કરતા મજૂરોનું અસ્તિત્વ મુશ્કેલીમાં આવી પડ્યું છે. હું ફિલ્મ-ઇન્ડસ્ટ્રી તરફથી બોલી રહી છું. હું સરકારને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પરત્વે દયા બતાવવા વિનંતી કરી રહી છું. હું નાણાપ્રધાનને આ સંદર્ભે વિચારવા અને ઇન્ડસ્ટ્રીની મદદ કરવા વિનંતી કરું છું.’