`જવાન` રિવ્યુ : બાપ બાપ હોતા હૈ

08 September, 2023 08:00 AM IST  |  Mumbai | Harsh Desai

ગીતને બાદ કરતાં સ્ટોરી, પર્ફોર્મન્સ, ટ્વિસ્ટ, લુક, ડાયલૉગ, ઍક્શન, સિનેમૅટોગ્રાફી અને એ બધાથી પરે શાહરુખ ખાનનો સ્વૅગ ટૉપ નૉચ છે અને તેણે એક અવૉર્ડ ફંક્શનમાં મારેલા પોતાના ડાયલૉગને પુરવાર કર્યો છે : ઍટલી દર્શકોની રગેરગથી વાકેફ છે

`જવાન`નો સીન

ફિલ્મ : જવાન

કાસ્ટ : શાહરુખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણિ, સુનીલ ગ્રોવર, રિદ્ધિ ડોગરા

ડિરેક્ટર : ઍટલી

રિવ્યુ : ચાર સ્ટાર (પૈસા વસૂલ)

શાહરુખ ખાન. નામ સાંભળતાં જ ખુલ્લા વાળ અને ચહેરા પર ડિમ્પલ અને સ્માઇલ નજર સામે આવે છે. જોકે અહીં એક ટકલો જેની દાઢી સફેદ થઈ ગઈ હોય છે ને ક્લાસિક સૉન્ગ પર મેટ્રોમાં વિચિત્ર ડાન્સ કરતો હોય છે. અહીં એક નહીં, પરંતુ તેના સાત લુક જોવા મળશે. આ ફિલ્મને પણ એટલે જ સાત તારીખે રિલીઝ કરવામાં આવી છે. ના, એવું નથી આ માત્ર એક સંજોગ છે. જન્માષ્ટમીનો લૉન્ગ વીક-એન્ડ હોવાથી ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મને શાહરુખના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ અને ઍટલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

સ્ટોરી ટાઇમ

ફિલ્મની સ્ટોરી વિશે કંઈ પણ કહેવું એટલે સ્પૉઇલર આપવા બરાબર છે. શાહરુખ ખાને કહ્યું હતું કે ફિલ્મની શરૂઆત મિસ ન કરવી અને એની શરૂઆત ખૂબ જ ધમાકેદાર થાય છે. તેની એન્ટ્રી બાદ દર્શકો આશા રાખી રહ્યા હશે કે તે કોણ છે અને ક્યાંથી આવ્યો અને શું કરશે, પરંતુ ત્યાં તે પોતે જ સવાલ કરે છે કે મૈં કૌન હૂં? ત્યાર બાદ ફિલ્મ ખરી શરૂ થાય છે. ઇન્સ્પેક્ટર વિક્રમ રાઠોડ મૉડર્ન રૉબિનહુડ હોય છે. તે હાઇટેક મશીનરી અને ટેક્નૉલૉજીની મદદથી પૈસાદાર પાસેથી પૈસા લૂંટે છે અને ગરીબોને આપે છે. જોકે તે પુણ્યનું કામ કરે છે કે પાપનું કામ કરે છે તેને નથી ખબર હોતી, કારણ કે દર્શકો પણ થોડા મૂંઝવણમાં હોય છે. અહીંથી ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ શરૂ થાય છે. વિક્રમ રાઠોડને પકડવા માટે પોલીસ એટલે કે નયનતારા જ નહીં, પરંતુ દુનિયાનો ચોથા ક્રમનો આર્મ ડીલર વિજય સેતુપતિ પણ તેની પાછળ પડ્યો હોય છે. જોકે તેની પાછળ પડતાં એક પછી રાઝ ખૂલતા જાય છે અને સ્ટોરી વધુ ઇન્ટરેસ્ટિંગ બનતી જાય છે.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન

ઍટલી દ્વારા આ ફિલ્મની સ્ટોરી લખવામાં આવી છે અને એનું ડિરેક્શન પણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ઘણી કૅટેગરીમાં મૂકી શકાય છે. આ ફિલ્મ માસ એન્ટરટેઇનમેન્ટ, દેશભક્તિની ફિલ્મ, પૉલિટિકલ સટાયર ફિલ્મ, સાચું અને ખોટું શું  વિશેની, ઝુબાનની કિંમત વિશેની ફિલ્મ અને બાપ-દીકરા વચ્ચેની ફિલ્મ. ઍટલી ભારતના દર્શકોની નસ ખૂબ જ સારી રીતે જાણે છે. તે વર્ષોથી આ પ્રકારની ફિલ્મ બનાવતો આવ્યો છે અને એમાં તે હંમેશાં સફળ રહ્યો છે. તેની આ ફિલ્મ પણ માસ માટે છે અને શું ફિલ્મ છે! તેણે ફિલ્મનો સ્ક્રીનપ્લે દર્શકોને ધ્યાનમાં રાખીને લખ્યો હતો અને એ તેના ડિરેક્શનમાં પણ જોઈ શકાય છે. ફિલ્મમાં શાહરુખના મેઇન પાંચ લુક છે, પરંતુ ટેક્નિકલી જોવા જઈએ તો સાત લુક છે. આ દરેક લુક પર ખૂબ જ કામ કરવામાં આવ્યું છે. ઍટલીએ દરેક લુકને ગ્રૅન્ડ એન્ટ્રી આપી છે. તેના માટે સ્ક્રિપ્ટ અને ડિરેક્શન કરતાં તેનો હીરો ખૂબ જ મહત્ત્વનો છે એ નક્કી છે, કારણ કે દર્શકો માટે હીરો સૌથી મહત્ત્વનો છે એ તે જાણે છે. આથી તેણે હીરોને એક પણ સેકન્ડ માટે સ્વૅગથી ભરપૂર દેખાડવાનો ચાન્સ નથી છોડ્યો. સ્ક્રીન પર શાહરુખ જ્યારે પણ આવે છે ત્યારે સીટી મારવાનું મન થાય છે. ફિલ્મની સ્ટોરી એક-બે જગ્યાએ થોડી સાઇડ ટ્રૅક થતી હોય એવું લાગી રહ્યું હતું ત્યાં તેણે ફરી ટ્વિસ્ટ આણ્યો અને શાહરુખના સ્વૅગની સામે એ બધું સાઇડ ટ્રૅક થઈ ગયું. ઍટલીએ સ્ટોરી પર એટલું કામ કર્યું છે કે ફિલ્મ ઑલમોસ્ટ ત્રણ કલાકની હોવા છતાં એ એટલી લાંબી નથી લાગતી. તેણે જૂનાં ગીતોનો ઉપયોગ પણ ખૂબ જ સારી રીતે કર્યો છે અને ફિલ્મમાં ઘણા રેફરન્સ પણ છે. તેણે દરેક પાત્રને ખૂબ જ સારી રીતે લખ્યાં છે. જોકે તે તેના પાત્રને એટલું સારી રીતે સામે લાવે છે કે તેની પાસે વધુ સ્ક્રીન ટાઇમ હોય તો જોવાની મજા આવે એવું લાગે છે. વિજય સેતુપતિ અને નયનતારાના પાત્રને જોઈને ખાસ એવું થાય છે. નયનતારા પાસે પહેલા પાર્ટમાં વધુ કામ છે, પરંતુ બીજા પાર્ટમાં તે ખૂબ જ ઓછી જોવા મળે છે. અને ઓછી જોવા મળે એ સ્વાભાવિક છે, કારણ કે ‘બેટે કો હાથ લગાને સે પહલે બાપ સે બાત કર’ એ ડાયલૉગ ફક્ત બોલવા પૂરતો નથી. દરેક પાત્રની બૅક સ્ટોરીની સાથે દરેક પાત્રને તેણે પૂરતો ટાઇમ આપવાની કોશિશ કરી છે, પરંતુ એમ છતાં એ ઓછી લાગે છે. ફિલ્મના દરેક ડાયલૉગ પર ખૂબ જ કામ કરવામાં આવ્યું છે અને એ મહેનત જ્યારે ડાયલૉગ સાંભળવામાં આવે ત્યારે જોઈ શકાય છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મમાં ઍટલીએ કોઈ કચાશ નથી છોડી. લાર્જર ધૅન લાઇફ પાત્ર ન હોવા છતાં તે લાર્જર ધૅન લાઇફ લાગે છે. હૅન્ડ-ટુ-હૅન્ડ કૉમ્બૅટ વધુ છે તેમ જ રોહિત શેટ્ટીની જેમ કાર ઉડાવવામાં નથી આવી, પરંતુ એમ છતાં જ્યારે ઊડે છે ત્યારે લૉજિકલ લાગે છે. બાઇકની પેટ્રોલની ટાંકીમાં સિગાર નાખતાં આગ લાગવામાં વાર લાગે છે એ જરાક ખટકે છે, પરંતુ એ થોડું સહન કરી લેવાય એવું છે. શાહરુખ જ્યારે પણ હાથથી તાળી વગાડે છે ત્યારે એમાંથી ધૂળ નીકળે છે અને એ દરેક શૉટને ખૂબ જ સારી રીતે લેવામાં આવ્યા છે. ઍટલીએ ઍક્શનને રોમાંચક બનાવવાની સાથે એટલી જ હ્યુમરથી ભરપૂર પણ બનાવી છે. જોકે આ માટે પર્ફોર્મન્સને દાદ આપવી રહી.

પર્ફોર્મન્સ

શાહરુખ ખાનની આ બેસ્ટ ફિલ્મ છે. તેની ‘ફૅન’ બાદ હું તેનો ફૅન બન્યો હતો, પરંતુ તે આ માસ એન્ટરટેઇનરમાં તેની ઍક્ટિંગ અને તેના ચાર્મ અને તેના સ્વૅગને કારણે ખૂબ જ જોરદાર લાગે છે. તે જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે તેની ફરી એન્ટ્રી થતી હોય એવું લાગે છે અને તેના પર્ફોર્મન્સ દ્વારા તેણે તેના એક નહીં, પરંતુ સાતે લુકને પૂરતો ન્યાય આપ્યો છે. તેનો અવાજ પણ આ ફિલ્મમાં અલગ સાંભળવા મળશે અને તેના સ્વૅગ સાથે એ પૂરી રીતે મળતો આવે છે. શાહરુખના ટિપિકલ વૉઇસ કરતાં અહીં તે એકદમ અલગ છે. આ સાથે જ શાહરુખ જ્યારે બાઇક પર હોય ત્યારે તે જે રીતે સિગાર સળગાવે છે એ માટે ઍટલીને પ્લસ પૉઇન્ટ આપવા રહ્યા. આ સમયે શાહરુખનો જે સ્વૅગ હોય છે એ અલગ જ લેવલ પરનો છે. તેમ જ શરૂઆતમાં જ્યારે ઘોડા પર આગ લાગી હોય છે અને જે રીતે એન્ટ્રીના દૃશ્યમાં શાહરુખનો ચહેરો દેખાડવામાં આવ્યો છે એ એક નંબર છે. નયનતારાને પણ સ્ક્રીન પર જોવાનું ખૂબ જ અદ્ભુત લાગે છે. તે સુંદર હોવાની સાથે જ તે એક ખૂબ જ ધારદાર પોલીસ ઑફિસર હોય છે જે કોઈ પણ ગુંડા સામે લડી શકતી હોય છે. એક સરકારી હૉસ્પિટલમાં નયનતારાની ઍક્શનનું જે દૃશ્ય છે એ ખૂબ જ મારફાડ છે. ફાસ્ટ ઍક્શન મોડમાં દરેક ફાઇટ ખૂબ જ સારી લાગે છે. દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં નાનકડી ભૂમિકામાં છે. તેણે પણ તેના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. આ સાથે જ અન્ય એક બૉલીવુડનો હીરો પણ મહત્ત્વની ભૂમિકામાં છે અને તે જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે માહોલમાં ૩૬૦ ડિગ્રીનો તફાવત જોવા મળે છે. સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર, રિદ્ધિ ડોગરા અને પ્રિયમણિ પાસે લિમિટેડ કામ છે; પરંતુ એમ છતાં તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે. વિજય સેતુપતિ વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. ઘણાં દૃશ્ય એવાં છે જેમાં લાગે છે કે આ ડિરેક્ટરનું દિમાગ નહીં, પરંતુ ઍક્ટરની સ્પૉન્ટેનિટી છે. તેણે પોતે તેના પાત્રમાં એનો સમાવેશ કર્યો હશે એની ખાતરી લાગે છે. તે અને શાહરુખ જ્યારે સામસામે આવે છે ત્યારે કુર્સી કી પેટી બાંધ લીજિએ ક્યૂં કિ મૌસમ બિગડનેવાલા હૈ.

મ્યુઝિક

આ ફિલ્મનું મ્યુઝિક અનિરુદ્ધ દ્વારા આપવામાં આવ્યું છે. તેણે સાઉથમાં ઘણું જોરદાર મ્યુઝિક આપ્યું છે, પરંતુ ‘જવાન’નાં ગીત એટલાં જોરદાર નથી. ‘છલેયાં’ અને ‘રમૈયા વસ્તાવૈયા’ સારું છે, પરંતુ એમ છતાં એટલાં જોરદાર નથી. આ સિવાયના એક પણ ગીતમાં એટલો દમ નથી. જોકે તેણે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સારું આપ્યું છે. સૉન્ગ નહીં તો કંઈ નહીં, પરંતુ બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં તેણે તેની છાપ છોડી છે. બની શકે કે હિન્દી ભાષાને કારણે ગીતોમાં તેમને તકલીફ પડી હોય.

આખરી સલામ

શાહરુખ ખાનની ‘જવાન’ જોયા બાદ થશે કે આ એકમાત્ર એવો ઍક્ટર છે જે કોઈ પણ રેકૉર્ડ બનાવી શકે છે અને ‘બાહુબલી’નો રેકૉર્ડ પણ તોડી શકે છે. જો આ ફિલ્મનાં ગીત સારાં હોત તો એને પાંચમાંથી પાંચ સ્ટાર મળ્યા હોત, પરંતુ ગીતને કારણે એક સ્ટાર કાપવો રહ્યો. સ્ટોરી, પર્ફોર્મન્સ, ટ્વિસ્ટ, લુક, ડાયલૉગ, ઍક્શન, સિનેમૅટોગ્રાફી અને એ બધાથી પરે શાહરુખનો સ્વૅગ ટૉપ નૉચ છે.

jawan film review movie review bollywood movie review Shah Rukh Khan sanya malhotra sunil grover ridhi dogra entertainment news bollywood bollywood news harsh desai