10 September, 2023 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
શાહરુખ ખાનની ‘જવાન’એ રિલીઝના પહેલા જ દિવસે રેકૉર્ડ કર્યા બાદ હવે બે દિવસમાં સો કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ પાછળ લોકો ઘેલા બની ગયા છે. આ ફિલ્મ થિયેટરમાં જોવા માટે લોકોની ભીડ ઊમટી પડી છે. ‘જવાન’ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. હિન્દી ફિલ્મ જગતના ઇતિહાસમાં ‘જવાન’ પહેલી એવી ફિલ્મ બની ગઈ છે જેણે રિલીઝના પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન કર્યું હોય. એણે શાહરુખની પોતાની જ ફિલ્મ ‘પઠાન’નો પણ રેકૉર્ડ બ્રેક કર્યો હતો. હવે બે દિવસમાં ‘જવાન’એ સેન્ચુરી મારી છે. ગુરુવારે રિલીઝ થયેલી ફિલ્મના હિન્દી વર્ઝને ૬૫.૫૦ કરોડ અને શુક્રવારે ૪૬.૨૩ કરોડની સાથે ૧૧૧.૭૩ કરોડનો વકરો કરી લીધો છે. બીજી તરફ ‘જવાન’ના તામિલ અને તેલુગુ વર્ઝનના બિઝનેસની વાત કરીએ તો ગુરુવારે ૯.૫૦ કરોડ અને શુક્રવારે ૭ કરોડની સાથે ૧૬.૫૦ કરોડનું કલેક્શન કરી લીધું છે. ‘જવાન’ના હિન્દી, તામિલ અને તેલુગુ વર્ઝને કુલ મળીને ૧૨૮.૩૩ કરોડનો બિઝનેસ કરી લીધો છે.
‘જવાન’ને મળતા પ્રેમનો આભાર માન્યો શાહરુખે
‘જવાન’ પ્રત્યે લોકો જે પ્રકારે પ્રેમ દેખાડે છે એને જોતાં શાહરુખ ખાને સૌનો આભાર માન્યો છે. આ ફિલ્મને ઍટલીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ, નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, સંજય દત્ત, પ્રિયામણિ અને સુનીલ ગ્રોવર લીડ રોલમાં છે. ફૅન્સનો આભાર માનતાં એક્સ પર શાહરુખે પોસ્ટ કર્યું કે ‘મારી ‘જવાન’ માટે તમે જે પ્રેમ આપો છો અને પ્રશંસા કરી રહ્યા છો એ બદલ આભાર. સલામત રહો અને ખુશ રહો. તમે આ ફિલ્મને એન્જૉય કરો છો એના ફોટો અને વિડિયો મને સતત મોકલતા રહો. હું જલદી જ એને જોઈશ. ત્યાં સુધી થિયેટરમાં જઈને ‘જવાન’ સાથે પાર્ટી કરો. સૌને ભરપૂર પ્રેમ અને સૌનો આભાર માનું છું.’
240.47
દુનિયાભરમાં બે દિવસમાં આટલો બિઝનેસ કર્યો ‘જવાન’એ.