સ્ટારના હેરસ્ટાઇલિસ્ટને આજે ૭૫,૦૦૦ રૂપિયા મળે છે, પહેલાં ખબર હોત તો અમેય શીખ્યા હોત

19 October, 2024 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાવેદ અખ્તરે ફિલ્મસ્ટારો પર કરવામાં આવતા વધુપડતા અયોગ્ય ખર્ચનો મુદ્દો ઉપાડ્યો

જાવેદ અખ્તર

જાણીતા પટકથા લેખક અને ગીતકાર જાવેદ અખ્તર પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે આજની સેલિબ્રિટીઝ પાછળ થતા વધારે પડતા ખર્ચ વિશે વાત કરી હતી. આ મુદ્દા વિશે અગાઉ પણ ફિલ્મ-પ્રોડ્યુસર્સ બોલી ચૂક્યા છે. જાવેદ અખ્તરે આ મુદ્દો હળવા ટોનમાં છેડ્યો હતો. તેમણે નવી સ્ટાર જનરેશનની અયોગ્ય ડિમાન્ડ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પહેલાં આવું નહોતું. આજના સ્ટાર્સ પાસે ૧૮-૧૯ લોકોનો સ્ટાફ હોય છે. આજકાલ તેમને ત્રણ વૅન જોઈએ છે – એક વૅનમાં એક્સરસાઇઝ કરે છે, એક વૅનમાં જમવાનું બનાવે છે અને ત્રીજી વૅનમાં તે જમે છે. તેમના વાળ સરખા કરનારાને દિવસે ૭૫,૦૦૦ રૂપિયા આપે છે. અરે યાર... અમને ખબર હોત તો અમે પણ આ જ કામ શીખ્યા હોત!’

ફરહાન આર્ગ્યુમેન્ટ્સ નથી કરતો, સીધી જ મારી લખેલી લાઇન્સ રિજેક્ટ કરી દે છે : જાવેદ અખ્તર

જાવેદ અખ્તરે તેમનાં સંતાનો ઝોયા અને ફરહાન અખ્તર સાથે કામ કરવાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે ‘ફરહાન આર્ગ્યુમેન્ટ્સ નથી કરતો, સીધી જ મારી લખેલી લાઇન્સ રિજેક્ટ કરી દે છે; જ્યારે ઝોયા ચર્ચા કરે છે અને મને સવાલો કરે છે.’  ફરહાન અને ઝોયા અંગ્રેજીમાં ફ્લુઅન્ટ છે, જ્યારે પોતાની પ્રથમ ભાષા ઉર્દૂ અને હિન્દુસ્તાની છે એમ જણાવતાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘ફરહાન અને ઝોયા વિચારે અને લખે અંગ્રેજીમાં છે, જ્યારે હું ઉર્દૂ અને હિન્દુસ્તાનીમાં. મને લાગે છે કે ભાષાને લઈને મારી સમજ તેમના કરતાં વધુ છે. ક્યારેક આ મુદ્દો અમારા વચ્ચે મતભેદોનું કારણ બને છે. મારાં બાળકો કહે છે કે મારા વિચારો પરંપરાગત અને જુનવાણી છે.’

bollywood news bollywood gossips bollywood entertainment news javed akhtar