27 July, 2023 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાવેદ અખ્તર
જાવેદ અખ્તર વિરુદ્ધ કંગના રનોટે એક્સ્ટૉર્શનના ચાર્જિસ લગાવ્યા હતા. હવે મુંબઈ કોર્ટે આ ચાર્જિસને રદ કર્યા છે. હૃતિક રોશન સાથે જાહેરમાં થયેલા વિવાદ બાદ આ મામલો વધુ ચગ્યો છે. ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કંગનાએ જાહેરમાં જાવેદ અખ્તર વિરુદ્ધ અપમાનજનક વાતો કહી હતી. એથી તેમણે કંગના વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. ત્યાર બાદ કંગનાએ અપીલ દાખલ કરીને જણાવ્યું હતું કે ૨૦૧૬ની માર્ચે જાવેદ અખ્તરે તેને અને તેની બહેન રંગોલી ચંડેલને તેના ઘરે બોલાવી હતી અને હૃતિકની લેખિતમાં માફી માગવા કહ્યું હતું. વાતને લઈને તેણે એક્સ્ટૉર્શનનો કેસ ફાઇલ કર્યો હતો. આ અરજી પર સુનાવણી કરતાં કોર્ટે જાવેદ અખ્તરને એક્સ્ટૉર્શનના ચાર્જિસમાંથી મુક્તિ આપી છે. આ કેસની સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે ‘લેખિતમાં માફી માગવી એ કોઈ કીમતી વસ્તુની વ્યાખ્યામાં નથી બેસતું. લેખિતમાં માફી માગવી એ કોઈ મિલકત કે પછી કીમતી વસ્તુમાં નથી આવતું કે એ માટે કોઈ કાયદાકીય અધિકાર ઘડવામાં આવે અથવા તો બે પાર્ટી વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે.’