14 August, 2024 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સલીમ-જાવેદ વિશેની ડૉક્યુ સિરીઝ ‘એન્ગ્રી યંગ મેન’ના ટ્રેલર-લૉન્ચ પ્રસંગે જાવેદ અખ્તર અને તેમનાં સંતાનો ફરહાન-ઝોયા તથા સલીમ ખાન અને તેમનો પુત્ર સલમાન (તસવીર : કીર્તિ સુર્વે પરાડે)
જાવેદ અખ્તરે ગઈ કાલે જાહેર કર્યું હતું કે પોતે અને સલીમ ખાન વધુ એક ફિલ્મ સાથે મળીને લખવા માટે તૈયાર છે. જાવેદ અખ્તરે આ જાહેરાત તેમના અને સલીમ ખાનના જીવન પરથી બનેલી ડૉક્યુ સિરીઝ ‘ઍન્ગ્રી યંગ મેન’ના ટ્રેલર-લૉન્ચ પ્રસંગે કરી હતી.
આ પ્રસંગે જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘હવે અમે ફરી સાથે લખવાના છીએ. મેં તેમની સાથે વાત કરી છે... એક ઔર પિક્ચર લિખતે હૈં સાથ મેં. ઉસ ઝમાને મેં ભી હમારી પ્રાઇસ ઝ્યાદા થી, ઇસ ઝમાને મેં તો બહુત હી ઝ્યાદા હોગી.’
સલીમ ખાન અને જાવેદ અખ્તરે સાથે મળીને ૨૪ ફિલ્મો લખી હતી, જેમાંથી બાવીસ બ્લૉકબસ્ટર હતી. આ ફિલ્મોમાં ‘શોલે’, ‘ડૉન’, ‘ઝંજીર’, ‘યાદોં કી બારાત’, ‘દીવાર’ જેવી ફિલ્મોનો સમાવેશ હતો. અમિતાભ બચ્ચનને ૭૦ના દાયકામાં ‘ઍન્ગ્રી યંગ મૅન’નું બિરુદ મેળ્યું એની પાછળ આ લેખક બેલડીનો મુખ્ય ફાળો હતો. એ બિરુદના આધારે જ તેમના વિશેની ડૉક્યુ સિરીઝનું શીર્ષક ‘ઍન્ગ્રી યંગ મેન’ રાખવામાં આવ્યું છે. આ સિરીઝ ૨૦ ઑગસ્ટથી ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર જોવા મળશે. આ સિરીઝને સલીમ-જાવેદનાં સંતાનો સલમાન ખાન, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર તથા અન્યો દ્વારા મળીને પ્રોડ્યુસ કરવામાં આવી છે.