`જેલર’ ફિલ્મના એક્ટર જી. મરીમુથુએ 57 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

08 September, 2023 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જેલરના લોકપ્રિય તમિલ અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર જી. મરીમુથુનું શુક્રવારે સવારે 57 વર્ષની વયે નિધન થયું છે. મળતી માહિતી મુજબ કાર્ડિયાક અરેસ્ટને કારણે આ અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા.

ફાઈલ તસવીર

લોકપ્રિય તમિલ અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર જી. મરીમુથુનું શુક્રવારે સવારે 57 વર્ષની વયે નિધન થયું છે. મળતી માહિતી મુજબ કાર્ડિયાક અરેસ્ટને કારણે આ અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. 

જી. મરીમુથુ અભિનેતા તેમના ટેલિવિઝન શો `એથિર નીચલ` માટે ડબિંગ કરી રહ્યા હતા. દરમિયાન લગભગ સવારે 8:00 વાગ્યે તેઓ ઢળી પડ્યા હતા. અચાનક પડી જવાથી તેઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ પીઢ અભિનેતા છેલ્લે રજનીકાંતની `જેલર`માં જોવા મળ્યા હતા.

જી. મરીમુથુના પાર્થિવ દેહના સૌ કોઈ દર્શન કરી શકે તે માટે ચેન્નાઈ સ્થિત તેમના ઘરે લઈ જવામાં આવશે. અંતિમ સંસ્કાર તેમના વતન થેનીમાં પરિવારના સભ્યોની હાજરીમાં થશે. તેમના આકસ્મિક નિધનથી તમિલ ઉદ્યોગ આઘાતમાં છે અને ઘણા સેલેબ્સ અને ચાહકો દિવંગત અભિનેતાને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે.

જી. મરીમુથુ માત્ર એક ઉત્તમ અભિનેતા અને દિગ્દર્શક જ ન હતા પરંતુ તેઓ ફિલ્મો માટે પટકથા અને સંવાદો પણ લખતા હતા. તેઓ ફિલ્મો અને ટીવી (Indian Television)ની દુનિયામાં પ્રખ્યાત હતા. મરીમુથુએ 1999માં થાલા અજિથની ફિલ્મ વાલીમાં સહાયક ભૂમિકા ભજવી હતી અને અહીંથી જ તેમની અભિનય યાત્રા શરૂ થઈ હતી. આ પછી તે ફિલ્મ `અસાઈ`માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોવા મળ્યા હતા. તેઓએ કમલ હાસનની ફિલ્મ `ઈન્ડિયન 2` માટે પોતાના ભાગનું શૂટિંગ પણ કર્યું હતું.

તેમણે દિગ્દર્શનમાંથી લાંબો બ્રેક લીધો હતો અને 2014માં પુલીવાલ ફિલ્મથી પુનરાગમન કર્યું હતું.  પ્રસન્ના અને વેમલ અભિનીત થ્રિલર ડ્રામા 2011ની મલયાલમ ફિલ્મ ચપ્પા કુરિશુની રિમેક છે. તેઓની અભિનય કારકિર્દી વિશે વાત કરીએ તો મરીમુથુએ યુદ્ધમ સેઇ (2011), કોડી (2016), બૈરવા (2017), કડાઇકુટ્ટી સિંઘમ (2018), શિવરંજિનિયમ એનમ સિલા પેંગલમ (2021) અને હિન્દી ફિલ્મ અતરંગી સહિત અનેક સહાયક ભૂમિકાઓમાં કામ કર્યું હતું. 

રમેશ બાલાએ જી. મરીમુથુના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું હતું કે,  "આઘાતજનક સમાચાર છે. લોકપ્રિય તમિલ અભિનેતા મરીમુથુનું આજે સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તાજેતરમાં તેમણે તેમના ટીવી સિરિયલ ડાયલોગ્સ માટે ખૂબ જ ચાહક ફોલોઇંગ મેળવ્યા હતા. તેમની આત્માને શાંતિ મળે.”

જી. મરીમુથુ તેમના ટીવી શો `એથિર નીચલ` માટે જાણીતા હતા. ડેઈલી સોપમાં તેમનું પાત્ર અદિમુથુ ગુણસેકરન ઘર-ઘરમાં જાણીતું બની ગયું. ટી.વી શોમાં તેમનો લોકપ્રિય ડાયલોગ `હે, ઈન્દમ્મા` ઈન્ટરનેટ સેન્સેશન બની ગયો હતો. ત્યારબાદ તેઓએ ડાયરેક્ટર વસંતના નિર્દેશન હેઠળ આસીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં અજિત, સુવલક્ષ્મી અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેઓ તો રજનીકાંતની `જેલર`ને કારણે પણ જાણીતા થયા હતા.

celebrity death bollywood news bollywood gossips bollywood entertainment news heart attack