08 October, 2023 05:55 PM IST | Mumbai | Harsh Desai
મિથિલા પાલકર
મિથિલા પાલકરે મરાઠી શૉર્ટ ફિલ્મ ‘માઝા હનીમૂન’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. તેણે પહેલી વાર ઍક્ટિંગ સાતમા ધોરણમાં ઇન્ટર સ્કૂલ ડ્રામા કૉમ્પિટિશનમાં કરી હતી. જોકે ઍક્ટિંગમાં કરીઅર બનાવવા માટે તેના ગ્રૅન્ડ પેરન્ટ્સ તૈયાર નહોતા. તેમની ઇચ્છા હતી કે તે પહેલાં તેનું એજ્યુકેશન પૂરું કરે. ત્યાર બાદ તેણે કંગના રનોટ અને ઇમરાન ખાનની ‘કટ્ટીબટ્ટી’માં કામ કર્યું હતું. ઇરફાનની ‘કારવાં’માં પણ તેણે કામ કર્યું હતું. ફિલ્મો કરતાં તે તેના વેબ-શો માટે ખૂબ જાણીતી છે. તેણે ‘ગર્લ ઇન ધ સિટી’ અને ‘લિટલ થિન્ગ્સ’માં કામ કર્યું છે. તે હિન્દી ફિલ્મમાં છેલ્લે કાજોલ સાથે ‘ત્રિભંગા’માં જોવા મળી હતી.
પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
એવી વ્યક્તિ જે ખૂબ ઝનૂની રીતે પ્રોટેક્ટ અને પ્રેમ કરે. (પાંચ શબ્દ કેવી રીતે થાય છે એની મને ખબર નથી.)
ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય અને શાનો ડર લાગે છે?
મ્યુઝિકથી મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે અને હું જે વ્યક્તિને પ્રેમ કરતી હોઉં તેને ખોવાનો મને ડર લાગે છે.
ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જઈશ અને કેમ?
(હસીને જવાબ આપવાનું ટાળે છે)
સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
ફૂડ... ફૂડ પાછળ મારા સૌથી વધુ પૈસા ખર્ચાય છે.
તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
જો સારું પરફ્યુમ લગાડ્યું હોય. સારો ડાન્સ કરતાં આવડતું હોય અને સારી રીતે સૉન્ગ ગાતાં આવડતું હોય તો મારું અટેન્શન મળી શકે.
તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
એક એવી વ્યક્તિ જેણે હંમેશાં તેના કામ દ્વારા લોકોના ચહેરા પર સ્માઇલ લાવ્યો હોય.
ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા સ્પેશ્યલ વસ્તુ કઈ?
મેં એક વ્યક્તિના ઇન્સ્ટાગ્રામ પર આવેલા ડાયરેક્ટ મેસેજમાં વાંચ્યું હતું કે તેણે ‘લિટલ થિન્ગ્સ’નું ટૅટૂ કરાવ્યું હતું. આ એક કમિટમેન્ટ કહેવાય છે.
સૌથી ડેરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
હું જે કામ કરી રહી છું એ માટે મારા ગ્રૅન્ડ પેરન્ટ્સને મનાવવાનું મારા માટે ડેરિંગવાળું કામ હતું.
એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં મિસ્ટરી બનાવી રાખી છે?
હું એ હમણાં કહી દઉં તો પછી એ મિસ્ટરી નહીં રહે. ખરુંને?