04 May, 2024 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા જોનસ
પ્રિયંકા ચોપડા જોનસને તેના મેલ ઍક્ટર્સ જેટલી ફી ચાર્જ કરવા માટે ૨૨ વર્ષનો સમય લાગ્યો છે. તેના પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ડૉક્યુમેન્ટરી ‘વિમેન ઑફ માય બિલ્યન’ હાલમાં જ રિલીઝ થઈ છે. એમાં મહિલાઓની અને ખાસ કરીને વર્કિંગ મમ્મીઓની વાત કરવામાં આવી છે. મહિલાઓ સાથે થતી અસમાનતા વિશે એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું કે ‘મને એ વાતનું ઘણું દુઃખ થાય છે આપણે હંમેશાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રી વિશે જ વાત કરીએ છીએ. દુનિયામાં ઘણી ઇન્ડસ્ટ્રી છે અને વાત જ્યારે મહિલાની હોય ત્યારે એ વિશે વાત કરવી જોઈએ. પુરુષની સરખામણીએ મહિલાઓને પણ સરખા પૈસા આપવા વિશે વાત કરવી જરૂરી છે. મેલ-ઍક્ટરની જેમ મને પણ એટલા પૈસા મળવા માટે ૨૨ વર્ષનો સમય લાગ્યો છે. મારી ઘણી ફ્રેન્ડ્સ છે જેઓ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર છે અને તેમને પુરુષોની સરખામણીએ ચોથા ભાગના પૈસા આપવામાં આવે છે. મારી મમ્મી વર્કિંગ મધર હતી અને તેણે મારો ઉછેર કર્યો છે. મારી મમ્મીની બહેનો પણ કામ કરતી હતી. મને લાગે છે કે જે મમ્મીઓ કામ ન કરતી હોય તે પણ ઘરે તો આખો દિવસ કામ કરે જ છે. મને નથી લાગતું કે મહિલાઓને પૂરતી ક્રેડિટ મળે છે.’