25 January, 2021 11:49 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
તસવીર સૌજન્ય જાગરણ
બૉલીવુડના કેટલાય સિતારા અને ગાયકો પોતાના નિવેદનોને કારણે ઘણીવાર ટ્રોલિંગ અને વિવાદનો વિષય બની જતા હોય છે. આ વખતે જાણીતા ગાયક અને સંગીતકાર વિશાલ દદલાની પોતાના એક નિવેદનને કારણે ટ્રોલ્સના નિશાને છે. સાથે જ તેમની ટીકા પણ થઈ રહી છે. તેમણે આ નિવેદન હિન્દી સિનેમાનાં દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરના એક ગીત અંગે આપ્યું છે.
હકીકતે હાલ વિશાલ દદલાની ટીવીના સિંગિંગ રિયાલિટી શૉ ઇન્ડિયન આઇડલના જજ છે. તાજેતરમાં જ આ શૉમાં એક પ્રતિભાગીએ લતા મંગેશકરનું દેશભક્તિ પ્રેરિત સદાબહાર ગીત 'ઐ મેરે વતન કે લોગોં' ગાયું. આ ગીત પછી વિશાલ દદલાનીએ પ્રતિસ્પર્ધીના વખાણ કર્યા સાતે જ તેમણે લતા મંગેશકરના ગીત વિશે વાત કરતા અમુક તથ્યો ખોટા કહ્યા જેને કારણે વિશાલ દદલાની ટ્રોલ્સના નિશાને ચડ્યા.
વિશાલ દદલાનીએ પ્રતિસ્પર્ધીને કહ્યું કે 'એ મેરે વતન કે લોગો' ગીત લતા મંગેશકરે 1947માં દેશના પહેલા વડાપ્રધા જવાહરલાલ નેહરુ માટે ગાયું હતું. વિશ્વનું એક માત્ર ગીત એવું જે હકીકતે ઑલ ટાઇમ હિટ છે. લતા મંગેશકર જેવું કોઇ ગાઇ શખે નહીં. આની ધુન પણ ખૂબ જ સરસ બનાવવામાં આવી છે, પણ તમારો પ્રયત્ન ખૂબ જ સારો છે. ખોટી માહિતી આપવા બાબતે વિશાલ દદલાની સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. કેટલાય સોશિયલ મીડિયા યૂઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.
હકીકતે, 'ઐ મેરે વતન કે લોગો' ગીત 1962માં કવિ પ્રદીપે લખ્યું હતું. આ ગીતની ધુન તે સમયના જાણીતા સંગીતકાર રહી ચૂકેલા સી. રામચંદ્રને આપી હતી અને લતા મંગેશકરે ગાયું હતું. કહેવામાં આવે છે કે આ ગીત બનાવનારનો હેતુ તે સમયે જ્યારે 1962માં ચીનના વિશ્વાસઘાત અને સામે યુદ્ધમાં પરાજય બાદ ભારતીયોનું મનોબળ વધારવાનો હતો, જે ચીનના હુમલા અને ભારતની હાર પછી તૂટી ગયું હતું.
પણ ઇન્ડિયન આઇડલના સેટ પર વિશાલ દદલાનીએ આ ગીતને લઈને બધાં તથ્યો ખોટા કહ્યા હતા. હવે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે. પૂર્વ વિદેશ મંત્રી દિવંગત સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે પણ પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું છે, "આ છે મ્યૂઝિક ડાયરેક્ટર વિશાલ દદલાની. ઇતિહાસ, સંગીત અને ભારત રત્ન તેમજ દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારથી સમ્માનિત બે-બે લોકો વિશે તેમને ખૂબ જ ખરાબ માહિતી છે."
એટલું જ નહીં સ્વરાજ કૌશલે પોતાના બીજા ટ્વીટમાં 'ઐ મેરે વતન કે લોગો' ગીત વિશે સંપૂર્ણ માહિતી આપી છે. વિશાલ દદલાની પર કટાક્ષ કરતા સ્વરાજ કૌશલે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું છે કે, "લતાજીનો જન્મ 1929માં થયો અને તે 1947માં ફક્ત 18 વર્ષનાં હતાં." વધુ એક ટ્વીટમાં ગીતનો ઇતિહાસ જણાવતા કૌશલે લખ્યું છે, "લતા મંગેશકરજીએ 'એ મેરે વતન કે લોગોં' ગીત 26 જાન્યુઆરી, 1963માં દિલ્હીમાં ગાયું હતું. આને કવિ પ્રદીપે લખ્યું હતું.. ગીત સાંભળ્યા પછી ડૂમો ભરાયેલા ગળે પંડિત જવાહર લાલ નેહરૂએ કહ્યું હતું, "લતા દીકરી, તારા ગીતે મને રડાવી દીધું..." સોશિયલ મીડિયા પર સ્વરાજ કૌશલના આ બન્ને ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કેટલાય સોશિયલ મીડિયા યૂઝર્સ અને લતા મંગેશકરના ચાહકો પણ તેમના આ ટ્વીટ પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે."