05 July, 2024 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન, શાહ રૂખ ખાન
કાર્તિક આર્યન આજે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સફળ ઍક્ટરની શ્રેણીમાં આવે છે. તેનું ફૅન-ફૉલોઇંગ પણ વધુ છે અને લોકોને તેના પર્ફોર્મન્સ પણ ખૂબ પસંદ પડે છે. કાર્તિક ફિલ્મી ફૅમિલીમાંથી નથી આવતો. જોકે આજે તેણે જે સફળતા મેળવી છે એની પાછળ તેનો ઘણો સંઘર્ષ પણ છે. શરૂઆતના દિવસોમાં તે પણ શાહરુખને જોવા તેના બંગલાની બહાર ઊભો રહ્યો હતો. એ દિવસને યાદ કરતાં કાર્તિક કહે છે, ‘મને આજે પણ યાદ છે કે એક રવિવારે હું બૅન્ડસ્ટૅન્ડ પર શાહરુખ ખાન સરની એક ઝલક જોવા ગયો હતો. તેઓ તેમની કારમાં બહાર નીકળ્યા હતા. તેઓ મારી નજીકથી પસાર થયા હતા અને મને અહેસાસ થયો કે તેમણે મને જોયો હતો. મારા માટે એ સ્પેશ્યલ સન્ડે હતો.’
સાથે જ નેપોટિઝમ વિશે કાર્તિક કહે છે, ‘આ તો ઇન્ડસ્ટ્રીનો સ્વભાવ છે અને એના માટે કોઈને દોષ ન આપી શકાય. આખરે તો ટૅલન્ટ જ કામ આવે છે. એવું જરૂરી નથી કે સ્ટાર કિડ્સ અને આઉટસાઇડર્સને એકસમાન કામની તક મળે. એના માટે તો તમે પણ કાંઈ ન કરી શકો.’