કન્ટેન્ટ બહુ વધી ગયું છે ત્યારે...

31 March, 2024 10:03 AM IST  |  Mumbai | Bhavya Gandhi

ફિલ્મો, અઢળક ટીવી-ચૅનલ, ઓટીટી પ્લૅટફૉર્મ અને સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવતું કન્ટેન્ટ. ક્યારેક વિચાર આવે કે કન્ટેન્ટ આ સ્તરે મુકાતું રહેશે તો પછી એ જોવાનો સમય ક્યાંથી નીકળશે અને કોણ કાઢશે?

ભવ્ય ગાંધી

મેં મારાં પપ્પા-મમ્મી પાસે સાંભળ્યું છે કે નાઇન્ટીઝના પિરિયડ પહેલાંના સમયમાં બહુ લિમિટેડ કન્ટેન્ટ હતું. તમારી પાસે ફિલ્મો હોય અને રાતે બેથી ત્રણ કલાક માટે ટીવી હોય. એ સમયે દૂરદર્શન એકમાત્ર ચૅનલ એટલે એના પર બધા ક્લાસને ધ્યાનમાં રાખીને જુદું-જુદું કન્ટેન્ટ દેખાડવામાં આવતું. ઍગ્રિકલ્ચર માટેનો પણ શો હોય અને એજ્યુકેશનલ શો પણ હોય. ક્લાસિકલ ડાન્સને લગતા શો અને હેલ્થને લગતો શો પણ હોય. એ જે બે-ત્રણ કલાકનું કન્ટેન્ટ હતું એમાં બધા પ્રકારની ઑડિયન્સને સાચવવાનું પ્લાનિંગ દેખાતું. વીકમાં એક વખત ફિલ્મનાં સૉન્ગ્સનો શો ચિત્રહાર પણ આવતો, તો એકાદ દિવસ કૉમેડી શો પણ આવતા, જેમાં મેં તો ‘યે જો હૈ ઝિંદગી’ની વાતો બહુ સાંભળી છે. સન્ડેના દિવસે થોડા વધારે કલાક ટીવી પર પ્રોગ્રામ આવતા. ‘મહાભારત’ પણ એ જ સમયે આવતું અને સાંજના સમયે એક ફિલ્મ પણ હોય. રજાના દિવસોમાં દૂરદર્શન પર બે ફિલ્મો આવવાની જાહેરાત થાય અને લોકો રાજી-રાજી થઈ જતા. સારી ફિલ્મો આવવાની હોય એ દિવસે તો થિયેટર્સમાં પણ ટિકિટ વેચાતી નહીં. બસ, આ એ સમયનું કન્ટેન્ટ વર્લ્ડ હતું, પણ આજે, આજે તો કન્ટેન્ટ માટે કોઈ બંધન જ નથી રહ્યાં.

તમે જુઓ તો ખરા, આજે રીતસર કન્ટેન્ટનો ધોધ વહે છે. કેટલી ટીવી-ચૅનલો, કેટલા ટીવી-શો. અહીં હું વાત માત્ર એન્ટરટેઇનમેન્ટ ચૅનલની જ કરું છું. ન્યુઝ કે ઇન્ફોટેઇનમેન્ટ ચૅનલોની તો આપણે ગણતરી પણ નથી કરતા. જો એ બધી ચૅનલોની વાત કરીએ તો કહેવું પડે કે આપણા દેશમાં આજે નૅશનલ અને રીજનલ મળીને ૭૦૦થી ૮૦૦ ચૅનલ થઈ ગઈ છે. ચૅનલ ઉપરાંત આટલી ફિલ્મો, ઓટીટી પ્લૅટફૉર્મ અને એના પર સતત મુકાતું જતું કન્ટેન્ટ. એ સિવાય સોશ્યલ મીડિયા પર એકધારું આવતું જતું કન્ટેન્ટ અને એ કન્ટેન્ટના વિડિયોઝ અને શૉર્ટઝ. કન્ટેન્ટના અતિરેકને કારણે હવે એવું બનવા માંડ્યું છે કે મોટા ભાગનું કન્ટેન્ટ જોવાયા વિનાનું રહી જાય છે કે પછી અજાણતાં જ ઇગ્નૉર થઈ જાય છે. હું કહેવા એ માગું છું કે કન્ટેન્ટ પર ક્યાંક ને ક્યાંક કોઈ રીતે રોક લાગવી જરૂરી છે. અફકોર્સ ગવર્નમેન્ટ એ કામ ન કરી શકે અને એવું એણે કરવાનું ન હોય, પણ આ જે રોક લગાવવાની છે એ આપણે, એન્ડ-યુઝર તો લગાવી જ શકે છે. બાકી તો એવી હાલત થઈ જાય કે આપણે સવારથી બસ આ કન્ટેન્ટ જ જોયા કરીએ અને દિવસ આપણો એમાં જ પૂરો થઈ જાય અને આપણી પ્રોડક્ટિવિટી ખતમ થઈ જાય. તમને કહ્યું એમ, કેવું કન્ટેન્ટ જોવું અને કેટલું કન્ટેન્ટ જોવું એ કામ જો આપણે નહીં કરીએ તો એની આડઅસર આપણી લાઇફ પર પડશે અને એવું ન બને એ માટે તમારે એક ટાઇમટેબલ વિચારી લેવાનું છે, જેમાં નક્કી રાખવાનું છે કે હું આ જ કન્ટેન્ટ જોઈશ અને દિવસમાં આટલી જ વાર જોઈશ.

કન્ટેન્ટ મોબાઇલ પર મળતું થઈ જવાને કારણે પહેલાં જે લિમિટેશન હતી અને ટાઇમ-બાઉન્ડ હતું એ સાવ જ નીકળી ગયું છે, પણ એને આપણે બાંધવું પડશે. કન્ટેન્ટ આપવું એ તો મેકર્સનું કામ છે, તે તો એ કામ કરશે જ કરશે, પણ આપણે નક્કી કરવાનું રહેશે કે ચારે બાજુથી આવતા એ કન્ટેન્ટમાંથી આપણે કોને આપણી આંખો આપવી છે, કયું કન્ટેન્ટ આપણે આપણા મનમાં ઉતારવું છે? અહીં પણ હું કહીશ કે બધું જ જોઈ લેવાનું મન થાય એવું બને, પણ એવું તો ન જ કરી શકાય એની પણ સમજણ આપણે વાપરવી પડશે. કન્ટેન્ટ એ લાઇફ નથી, કન્ટેન્ટ જોવું એ આપણી જવાબદારી નથી. બીજી પણ ઘણી આપણી જવાબદારી છે એટલે આપણે સમજદારી વાપરીને હવે નક્કી કરતા જવું પડશે કે કયું કન્ટેન્ટ જોવું છે અને દિવસમાં કેટલો સમય જોવું છે.

હું ઘણા એવા યંગસ્ટર્સને જોઉં છું જે થોડો પણ સમય મળતાં તરત જ પોતાના મોબાઇલમાં ટીવી કે ઓટીટી કે પછી સ્પોર્ટ‍્સ ચૅનલ જોવાનું શરૂ કરી દે છે. ૧૦ મિનિટ તે કામ કરે અને પછી ૧૦ મિનિટનો બ્રેક લઈને તે આ બધું જુએ. જો ઑફિસમાં હોય તો થોડી-થોડી મિનિટે યુટ્યુબ કે પછી બીજાં એવાં પ્લૅટફૉર્મ પર જાય અને ત્યાં જઈને ૮-૧૦ મિનિટ માટે કોઈ પણ વિડિયો જોવામાં લાગી જાય અને આવું બધું કર્યા પછી પણ તેની ફરિયાદ તો ઊભી જ હોય કે ૧૦ દિવસથી ફિલ્મ જોવા નથી જવાયું. મને લાગે છે કે પેલું ખાવામાં જે આપણે ઓવરઇટિંગની મેન્ટાલિટી પર આવી ગયા હતા એવું જ અત્યારે કદાચ કન્ટેન્ટના ઓવરઇટિંગનો પિરિયડ શરૂ થયો છે. આ કદાચ કોઈ જાતની માનસિક બીમારી હશે એવું મારું માનવું છે. જો આપણે કન્ટેન્ટ જોવાની ટાઇમલાઇન ઊભી નહીં કરીએ તો અસર બહુ ખરાબ થશે. ફૂડમાં ઓવરઇટિંગ આપણી ફિઝિકલ હેલ્થને નુકસાન કરે તો કન્ટેન્ટનું ઓવરઇટિંગ આપણને મેન્ટલી નુકસાન કરશે અને એવું ન બને એને માટે આપણે જાતે જ કયું કન્ટેન્ટ જોવું અને કેટલો સમય જોવું એ ડિસિપ્લિન ડેવલપ કરવાનો સમય આવી ગયો છે.

bollywood buzz bollywood news bollywood entertainment news