દીકરો ઇબ્રાહિમ વિવાદોના મામલે પિતા સૈફના પગલે

19 March, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરાએ પાકિસ્તાની ક્રિટિકને ધમકાવ્યો તો પિતાનો ૧૯૯૫માં પત્રકાર સાથેનો થયેલો ઝઘડો યાદ આવી ગયો

સૈફ અલી ખાન, પુત્ર ઇબ્રાહિમ અલી ખાન

હાલમાં સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન પાકિસ્તાની ફિલ્મ સમીક્ષક તમૂર ઇકબાલે સાથેના વિવાદના કારણે ચર્ચામાં છે. ઇબ્રાહિમે  ‘નાદાનિયાં’થી ડેબ્યુ કર્યો છે. જોકે આ ફિલ્મ રિલીઝ થઈ ગયા પછી લોકો ઇબ્રાહિમની અભિનયક્ષમતા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કારણ કે લોકોને આ ફિલ્મ ખાસ પસંદ નથી પડી. આ સંજોગોમાં ઇબ્રાહિમ અને એક પાકિસ્તાની ફિલ્મ-ક્રિટિક વચ્ચેની ચૅટ વાઇરલ થઈ છે જેમાં ઇબ્રાહિમ પાકિસ્તાની ક્રિટિકને ધમકાવી રહ્યો છે.  પાકિસ્તાની ફિલ્મ સમીક્ષક તમૂર ઇકબાલે ઇન્સ્ટાગ્રામ પર ઇબ્રાહિમ સાથેની ચૅટ શૅર કરી છે. ચૅટમાં ઇબ્રાહિમે તમૂરના નેગેટિવ રિવ્યુ અને તેના નાક પર કરેલી નકારાત્મક કમેન્ટનો જવાબ આપતાં તેને ધમકાવીને કહ્યું  છે કે જો તું મને રસ્તા પર મળ્યો તો તારો ચહેરો બગાડી નાખીશ.

ઇબ્રાહિમનો આ વિવાદ ચમક્યો છે ત્યારે તેના પિતા સૈફ અલી ખાન અને એક પત્રકારનો ૧૯૯૫માં થયેલો ઝઘડો સોશ્યલ મીડિયામાં વાઇરલ બન્યો છે. આ ઘટનામાં સૈફ અલી ખાને પત્રકારના ઘેર જઈને તેને મુક્કો માર્યો હતો, કારણ કે તેણે સૈફની મમ્મી શર્મિલા ટાગોરની અભિનયક્ષમતા વિશે ટીવી પર નેગેટિવ ચર્ચા કરી હતી. એ સમયના કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે પત્રકારના આર્ટિકલમાં લખાયું હતું કે ‘મૈં ખિલાડી તૂ અનાડી’માં સૈફ અલી ખાન અને અક્ષય કુમાર સાથે કામ કરતી વખતે અક્ષયે વધારે સારું કામ કર્યું હતું. એવું કહેવાય છે કે એ સમયે સૈફ અલી ખાને પત્રકારની મમ્મીને પણ ધક્કો માર્યો હતો.

saif ali khan ibrahim ali khan pakistan viral videos photos social media bollywood bollywood news entertainment news