તું મને રસ્તા પર મળ્યો તો તારો ચહેરો બગાડી નાખીશ

17 March, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું કહીને ઇબ્રાહિમ અલી ખાને ધમકાવ્યો પાકિસ્તાની ક્રિટિકને, ચૅટ થઈ ગઈ વાઇરલ

ઇબ્રાહિમ અલી ખાન

બૉલીવુડમાં નવા-નવા કલાકારો પોતાની ઓળખ બનાવી રહ્યા છે. આ સંજોગોમાં સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને ‘નાદાનિયાં’થી ડેબ્યુ કર્યું છે. જોકે આ ફિલ્મ રિલીઝ થઈ ગયા પછી લોકો ઇબ્રાહિમની અભિનયક્ષમતા પર લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કારણ કે લોકોને આ ફિલ્મ ખાસ પસંદ નથી પડી. આ સંજોગોમાં ઇબ્રાહિમ અલી ખાન વિવાદમાં ફસાયો છે. હાલમાં ઇબ્રાહિમ અને એક પાકિસ્તાની ફિલ્મ-ક્રિટિક વચ્ચેની ચૅટ વાઇરલ થઈ છે જેમાં ઇબ્રાહિમ પાકિસ્તાની ક્રિટિકને ધમકાવી રહ્યો છે. 

પાકિસ્તાની ફિલ્મ-સમીક્ષક તમૂર ઇકબાલે ઇન્સ્ટાગ્રામ પર ઇબ્રાહિમ સાથેની ચૅટ શૅર કરી છે. ચૅટમાં ઇબ્રાહિમે તમૂરના નેગેટિવ રિવ્યુનો અને તેના નાક પર કરેલી નકારાત્મક કમેન્ટનો જવાબ આપ્યો છે. સ્ક્રીનશૉટમાં ઇબ્રાહિમે લખ્યું છે, ‘તારું નામ લગભગ મારા ભાઈ તૈમુર જેવું છે, પણ તમારામાં તફાવત શું છે એ ખબર છે? આ તફાવત છે ચહેરો. તું કચરાના ઢગલા જેવો દેખાય છે. જો તું મને રસ્તા પર મળ્યો તો તારો ચહેરો બગાડી નાખીશ.’

ઇબ્રાહિમની આ પ્રતિક્રિયા પછી તમૂરે પણ જવાબ આપ્યો હતો અને લખ્યું હતું કે ‘માનું છું કે નાક પર કરેલી કમેન્ટ અયોગ્ય હતી પણ બાકી બધું જવાબદારીથી લખ્યું છે. હું તારા પિતાનો મોટો ફૅન છું, તેમને નિરાશ ન કરશો.’

ibrahim ali khan social media viral videos photos bollywood bollywood news entertainment news