06 April, 2023 05:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈએ જણાવ્યું છે કે તેણે અહમદ ખાનની વિનંતી પર ‘બાગી 2’માં કામ કર્યું હતું. આ બન્ને ખાસ ફ્રેન્ડ છે. ‘સત્યા’નું ‘સપને મેં મિલતી હૈ’ ગીતને અહમદ ખાને કોરિયોગ્રાફ કર્યું હતું. એ વખતે અહમદ નાની ઉંમરનો હતો. ‘બાગી 2’ને અહમદ ખાને ડિરેક્ટ કરી હતી. એ ફિલ્મમાં ટાઇગર શ્રોફ, દિશા પાટણી અને રણદીપ હુડા લીડ રોલમાં હતાં. અહમદ ખાન વિશે મનોજ બાજપાઈએ કહ્યું કે ‘અહમદ ખાને ‘સપને મેં મિલતી હૈ’ ગીતને કોરિયોગ્રાફ કર્યું હતું. અમે બધા યંગ હતા અને તે નાનો હતો. તેણે મને એક જ વાત કહી હતી, ‘મનોજ, મને ફિલ્મ બનાવવામાં મદદ કર, કારણ કે મારી ઇચ્છા છે કે આ ફિલ્મ સફળ બને.’ આવા શબ્દો કોઈ ફ્રેન્ડ કહે તો એ પૂરતું જ હતું અને તેણે મને બ્લૉકબસ્ટર ફિલ્મ આપી છે.’
આ ફિલ્મે બસો કરોડનો બિઝનેસ કર્યો હતો. એના પર ખુશી વ્યક્ત કરતાં મનોજ બાજપાઈએ કહ્યું કે ‘મને નથી લાગતું કે મારી કોઈ ફિલ્મે બસો કરોડથી વધુનો બિઝનેસ કર્યો હોય.’