06 March, 2023 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુસ્મિતા સેન
સુસ્મિતા સેને જણાવ્યું કે તેની ધમનીમાં ૯૫ ટકા બ્લૉકેજિસ હતાં. તાજેતરમાં જ સુસ્મિતાએ સોશ્યલ મીડિયામાં પોતાને આવેલા હાર્ટ-અટૅક વિશે માહિતી આપી હતી. સાથે જ તેની ઍન્જિયોપ્લાસ્ટી પણ કરાવવી પડી હતી અને સ્ટેન્ટ પણ બેસાડવામાં આવી છે. સુસ્મિતા ‘આર્યા’ની ત્રીજી સીઝનમાં દેખાવાની છે. સાથે જ તે શ્રી ગૌરી સાવંતની બાયોપિક ‘તાલી’માં ટ્રાન્સજેન્ડરના રોલમાં દેખાવાની છે. પોતાની હેલ્થ વિશે માહિતી આપતાં સુસ્મિતાએ કહ્યું કે ‘હું જાણું છું કે તમારામાંથી કેટલાય હવે જિમમાં જવાનું બંધ કરી દેશે અને કહેશે કે ‘એનાથી કોઈ ફાયદો નથી થતો.’ જોકે એવું નથી. એનાથી ઘણી મદદ મળે છે. હું જબરદસ્ત હાર્ટ-અટૅકમાંથી બચી છું. એ મોટો હતો કે જેમાં મારી મુખ્ય ધમનીમાં ૯૫ ટકા બ્લૉકેજિસ હતાં. હું એટલા માટે બચી ગઈ કેમ કે મારી લાઇફસ્ટાઇલ ઍક્ટિવ છે. એ રીતે હું ખૂબ નસીબદાર પણ છું. એનાથી મારી અંદર હવે કોઈ ડર નથી રહ્યો. ઊલટાનું હું હવે મારી જાતને પ્રૉમિસ કરવા માગું છું કે મારે લાઇફને લઈને વધુ આગળ વધવું જોઈએ. તમને જો નવું જીવન મળે તો તમારે એનો આદર કરવો જોઈએ અને કાળજી લેવી જોઈએ. તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ અને મનોબળ મક્કમ બનાવવું જોઈએ.’