11 May, 2023 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે અમેરિકન સિંગર નિક જોનસ સાથે સંપર્કમાં આવ્યા પહેલાંનાં તેના રિલેશન ડૉરમેટ જેવાં હતાં. નિક અને પ્રિયંકાએ ૨૦૧૮માં રાજસ્થાનમાં લગ્ન કરી લીધાં હતાં. હવે તેઓ એક દીકરીના પેરન્ટ્સ પણ છે. અગાઉનાં રિલેશનમાં તેને લાગતું હતું કે તે જાતે જ પોતાનું નુકસાન કરી રહી છે. રિલેશન વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘હું એક પછી એક એમ રિલેશનશિપમાં આવતી ગઈ. એ રિલેશનશિપ દરમ્યાન હું પોતાને સમય ન આપી શકી. મેં ઍક્ટર્સને ડેટ કર્યા જેમની સાથે મેં કામ કર્યું કાં તો સેટ પર મળી. મને એવું લાગતું હતું કે રિલેશનશિપ કેવી હોય એની મને સમજ છે. રિલેશનશિપની મારી જે સમજ હતી એમાં લોકોને બંધ બેસાડવાના પ્રયાસ હું કરતી રહેતી હતી. એક જ ભૂલનું પુનરાવર્તન થતું રહેતું હતું. એથી મને લાગતું કે મારે કૅરટેકર બનવું જોઈએ, હંમેશાં એવો એહસાસ થતો કે મારે મારું કામ છોડવું જોઈએ અથવા તો મારી મીટિંગ, મારી અગત્ય છોડવી જોઈએ જેથી એને મહત્ત્વ આપી શકું. મારા દિમાગમાં એ વસ્તુ ઘણા સમયથી બેસી ગઈ હતી. એથી પોતાની જાત માટે હું ઊભી ન રહી શકવાથી મેં એ પાવર આપવાનું બંધ કર્યું. ખરેખર તો હું ડોરમૅટ બની ગઈ હતી. મને લાગતું કે ઠીક છે, કારણ કે મહિલાઓને કહેવામાં આવે છે કે તમારી ફરજ પરિવારને જોડી રાખવાની છે. તમારો હસબન્ડ જ્યારે ઘરે આવે તો તેને આરામનો એહસાસ કરાવવો પણ તમારું જ કામ છે.’