19 December, 2022 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રકુલ પ્રીત સિંહ
રકુલપ્રીત સિંહે જણાવ્યું છે કે તેનો પરિવાર અને ફ્રેન્ડ્સ તેને સારી રીતે ઓળખે એ જ તેના માટે મહત્ત્વનું છે. તાજેતરમાં જ રકુલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે ચાર વર્ષ જૂના ડ્રગ્સના મામલામાં સમન્સ મોકલાવ્યા છે. આ અગાઉ પણ તેની પૂછપરછ કરવામાં આવી છે. એને લઈને સોશ્યલ મીડિયામાં તેણે એક નોટ શૅર કરી છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રકુલે કૅપ્શન આપી હતી, ‘મારા વિશે લોકો શું વિચારે છે એને હું નિયંત્રણમાં નથી લાવી શકતી, પરંતુ મારા દિમાગમાં શું ચાલી રહ્યું છે એના પર હું કન્ટ્રોલ કરી શકું છું. હું એટલું શીખી છું કે અજ્ઞાનતા એક આનંદ આપે છે. કેટલાક દિવસો અઘરા હોય છે. એથી મેં મારી જાતને કહ્યું છે કે મારો પરિવાર અને ફ્રેન્ડ્સ, જે મારી વાસ્તવિકતા સમજે છે એ લોકો મારા માટે અગત્યના છે. મારું કામ બધું વ્યક્ત કરી જાય છે.’