16 April, 2023 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કરણ જોહરના જૂના વિડિયો પર કંગના રનોટે પલટવાર કર્યો છે. કંગના અને કરણનો વિવાદ બૉલીવુડમાં જગજાહેર છે. ૨૦૧૭માં લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં આયોજિત એક ઇવેન્ટમાં કરણે કંગના વિશે ચર્ચા કરી હતી. એ વિડિયોને કંગનાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો છે. એ વિડિયોમાં કરણ કહી રહ્યો છે કે ‘તે જ્યારે મૂવી માફિયા કહે છે તો એનો અર્થ શું છે? તે શું સમજે છે, અમે લોકો શું કરી રહ્યાં છીએ? અમે બેસીને તેને કામ નથી આપવાનું એવું નક્કી કરીએ છીએ? શું આ વસ્તુ અમને માફિયા બનાવે છે? ના, અમે અમારી મરજીથી આ કરીએ છીએ. હું એટલા માટે આમ કરું છું, કારણ કે મને તેની સાથે કામ કરવામાં ઇન્ટરેસ્ટ નથી.’
આ વિડિયો-ક્લિપને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘ચાચા ચૌધરી, આ મૂર્ખતાભરી વાતો માટે ધન્યવાદ. હું પોતાની જાતને એક ફિલ્મમેકર અને પ્રોડ્યુસર તરીકે સાબિત કરી ચૂકી છું. તારા મોઢા પર આ એક તમાચો છે.’