09 April, 2023 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટિના દત્તા
ટીના દત્તાએ જણાવ્યું કે કરીઅરની શરૂઆતમાં તેને પણ ભેદભાવ અને કેટલીક કઠણાઈનો સામનો કરવો પડ્યો હતો. તે ‘બિગ બૉસ 16’માં જોવા મળી હતી. તેની નવી સિરિયલ ‘હમ રહે ના રહે હમ’ સોની પર ૧૦ એપ્રિલથી શરૂ થવાની છે. આ સિરિયલમાં તેની સાથે જય ભાનુશાલી અને કિટુ ગિડવાણી પણ જોવા મળશે. ‘ઉતરણ’માં ભજવેલા ઇચ્છાના રોલને કારણે ટીના ખૂબ ફેમસ થઈ હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તારે કરીઅર દરમ્યાન કોઈ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો? એનો જવાબ આપતાં ટીનાએ કહ્યું કે ‘હા, એક ઍક્ટર તરીકે મારી કરીઅરની શરૂઆતમાં ‘આમ ઔર ખાસ’, નવા કલાકારોને સિનિયર ઍક્ટર જે પહેલેથી જ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે તેમની સાથે સરખાવવામાં આવતા હતા. આવો ભેદભાવનો સામનો મેં પણ કર્યો છે. મેં એ પડકાર જોયા છે અને એ બધામાંથી હું પસાર થઈ છું.’