12 January, 2025 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન
બૉલીવુડમાં હૃતિક રોશનની સુપરહિટ સાબિત થયેલી પહેલી ફિલ્મ ‘કહો ના... પ્યાર હૈ’ ૨૦૦૦ની ૧૪ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝને પચીસ વર્ષ થયાં હોવાની ઉજવણીના ભાગરૂપે હૃતિકના જન્મદિવસે ૧૦ જાન્યુઆરીએ આ ફિલ્મને રીરિલીઝ કરવામાં આવી છે. હૃતિકની આ પહેલી ફિલ્મ તેના પિતા રાકેશ રોશને ડિરેક્ટ કરી હતી. ‘કહો ના...પ્યાર હૈ’ની રીરિલીઝ પ્રસંગે હૃતિકે એની સાથે જોડાયેલી એક ખાસ વાત શૅર કરી છે.
એક વાતચીતમાં હૃતિકે જણાવ્યું હતું કે ‘મને જ્યારે મારા પપ્પાએ જણાવ્યું કે તેઓ આ ફિલ્મ મારી સાથે બનાવવા ઇચ્છે છે ત્યારે મને સુખદ આંચકો લાગ્યો હતો, કારણ કે હું એવું માનતો હતો કે આ ફિલ્મ શાહરુખ, સલમાન કે આમિર ખાન માટે લખાઈ રહી છે. હકીકતમાં હું અને મારા પપ્પા બેસીને આ ફિલ્મ વિશે વાતચીત કરી રહ્યા હતા. જોકે ફિલ્મની અડધી સ્ટોરી સાંભળીને મેં મારા પપ્પાને ફરિયાદના સૂરમાં કહ્યું હતું કે આ સ્ટોરી શાહરુખ, આમિર કે સલમાન માટે મને બરાબર નથી લાગતી; તેઓ આ બધું તો તેમની પહેલી ફિલ્મમાં કરી ચૂક્યા છે. મારી આ વાત સાંભળીને પપ્પાએ કહ્યું કે આ ફિલ્મ તો હું તારા માટે બનાવી રહ્યો છું. તેમની વાત સાંભળીને મને પહેલાં થોડો આંચકો લાગ્યો હતો, પણ પછી મેં તૈયારી કરવા માટે ૬ મહિના માગ્યા હતા. આ રીતે ‘કહો ના...પ્યાર હૈ’ની શરૂઆત થઈ હતી..’