13 September, 2022 06:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમસ્યાની તરફ તમારું વર્તન કેવું છે એ ખૂબ મહત્ત્વ ધરાવે છે
શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ જણાવ્યું છે કે સમસ્યાની તરફ તમારું વર્તન કેવું છે એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. શિલ્પા સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને વિવિધ વિષયો પર પ્રોત્સાહન આપે છે. એક મહિના અગાઉ તે રોહિત શેટ્ટીની વેબ-સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં સ્ટન્ટ કરી રહી હતી એ વખતે તેને પગમાં ગંભીર ઈજા થઈ છે. આ જ કારણ છે કે તે ઘરે આરામ કરી રહી છે. આમ છતાં તે લોકોને એવાં આસનોની માહિતી આપે છે જે કરીને લોકો આખો દિવસ તાજગી અનુભવી શકે છે. તાજેતરમાં જ તેણે એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે તિર્યકા તાડાસન કરીને દેખાડી રહી છે. એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી, ‘શું સમસ્યા ખરેખર સમસ્યા છે કે પછી એ સમસ્યા પ્રતિનું તમારું જે વલણ છે એ જ સમસ્યા છે? આ વિચારે જ મને સવારે વિચારતી મૂકી કે મારી ઈજાને કારણે હું મારી રોજબરોજની ઍક્ટિવિટી શું કામ અટકાવું? એથી મેં નક્કી કર્યું કે મારી એ ઈજાને હું મારા પર હાવી નહીં થવા દઉં. એ વાતને આગળ વધારતાં આજના યોગ સેશનમાં મેં સરળ અને સહેલા આસન તિર્યકા તાડાસનનો સમાવેશ કર્યો છે. એમાં એક તરફ સારી રીતે સ્ટ્રેચ કરી શકાય છે જેથી તમારા મસલ્સ સ્ટ્રેચ થતાં કરોડરજ્જુની ફ્લેક્સિબિલિટી વધારે છે. સાથે જ ગોમુખાસન કરવાથી તમારી બૉડીનું પૉસ્ચર સુધરે છે અને તમારા ખભાને પણ સ્ટ્રેચ કરે છે. તમારી છાતી અને લંગ્સને વધુ મજબૂતી મળે છે. જો તમને ફ્રોઝન શોલ્ડરની તકલીફ હોય તો એના માટે પણ આ આસન કારગર છે (જો તમને સર્વાઇકલ પેઇન હોય તો તિર્યકા તાડાસન ન કરતા). માત્ર સ્ટ્રેચિસ અને ફ્લેક્સિસ સુધી તમારી જાતને સીમિત ન રાખો. એક વાતની ખાતરી રાખો કે આ મૂળ ક્રિયાઓને તમે તમારા દરરોજના રૂટીનમાં સામેલ કરો.’