ડિવૉર્સ લેતાં પહેલાં દીકરી ઈશા ફરીથી વિચારે એવી ઇચ્છા છે ધર્મેન્દ્રની

18 February, 2024 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેમા માલિની પોતે મથુરાથી બીજેપીનાં લોકસભાનાં સભ્ય છે.

ઈશા દેઓલ, ધર્મેન્દ્ર

ઈશા દેઓલ તેના હસબન્ડ ભરત તખ્તાની સાથે ડિવૉર્સ લેવાની છે અને એક પિતા તરીકે ધર્મેન્દ્રની ઇચ્છા છે કે પોતાના આ નિર્ણય પર ઈશા ફરીથી વિચાર કરે. દીકરીના આ ફેંસલા પર ધર્મેન્દ્ર દુખી થયા છે. તેમનું માનવું છે કે ડિવૉર્સને કારણે ઈશા અને ભરતની દીકરીઓ રાધ્યા અને મિરાયા પર માઠી અસર પડી શકે છે. ઈશા અને ભરતનાં લગ્ન ૨૦૧૨માં થયાં હતાં. દેઓલ પરિવાર ભરતને દીકરો જ માને છે. તાજેતરમાં બન્નેએ જુદાં થવાની જાહેરાત કરી હતી. જોકે ધર્મેન્દ્રનું માનવું છે કે બન્ને જુદાં થતાં પહેલાં ફરી એક વખત વિચાર કરે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે કોઈ પેરન્ટ્સ નથી ચાહતા કે તેમનાં બાળકોનું લગ્નજીવન તૂટે. તેઓ દીકરીના નિર્ણયની વિરુદ્ધ નથી, પરંતુ તેમની ઇચ્છા છે કે કોઈ પણ ફેંસલો કરતાં પહેલાં એનાં દરેક પાસાંનો વિચાર કરે. જો લગ્નજીવન તૂટતું બચાવી શકાય એમ હોય તો બન્નેએ એ માટે પ્રયાસ કરવા જોઈએ.

ઈશા રાજકારણમાં આવી શકે છે: હેમા માલિની
ઈશા દેઓલ તેના લગ્નજીવનને લઈને ચર્ચામાં છે અને તેની મમ્મી હેમા માલિનીએ જણાવ્યું કે ઈશા કદાચ રાજકારણમાં આવી શકે છે. હેમા માલિની પોતે મથુરાથી બીજેપીનાં લોકસભાનાં સભ્ય છે. રાજકારણમાં આવતાં પહેલાં તેમણે પોતાનો આ ​ફેંસલો ધર્મેન્દ્રને સંભળાવ્યો હતો અને તેમણે ખૂબ સપોર્ટ કર્યો છે. એ વિશે હેમા માલિનીએ કહ્યું કે ‘મારો પરિવાર હંમેશાં મારી સાથે રહ્યો છે. તેમને કારણે જ હું આ કામ કરી શકી છું. તેઓ મુંબઈમાં મારું ઘર સંભાળે છે એથી હું સરળતાથી મથુરા અવરજવર કરી શકું છું. હું જેકોઈ કામ કરું છું ધરમજી ખૂબ ખુશ હોય છે, એથી તેઓ મને હંમેશાં સપોર્ટ કરે છે અને મથુરા પણ આવે છે.’

હેમા માલિની અને ધર્મેન્દ્રને ઈશા અને આહના નામની બે દીકરીઓ છે. તેમની દીકરીઓ પણ રાજકારણમાં જોડાશે એવુ પૂછવામાં આવતાં હેમા માલિનીએ કહ્યું કે ‘જો તેમની ઇચ્છા હોય તો તેઓ આવી શકે છે. ઈશાને ખૂબ રસ છે. તે રાજકારણમાં આવી શકે છે. જો તેને રસ હશે તો તે આગામી વર્ષોમાં રાજકારણમાં ચોક્કસ આવશે.’

ડાઉન ટુ અર્થ યશ

સાઉથનો સુપરસ્ટાર યશ તાજેતરમાં તેની દીકરી માટે ચૉકલટ લેવા માટે એક નાનકડી દુકાનમાં ઊભો રહ્યો હતો એ ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. યશ ‘KGF’ માટે જાણીતો છે. તે તેની વાઇફ રાધિકા પંડિત અને દીકરી આયરા સાથે ઉત્તર કન્નડ જિલ્લાના ચિત્રપુર મઠની મુલાકાતે ગયો હતો. એ વખતે તે દુકાને ઊભો રહ્યો હતો અને તેની વાઇફ રાધિકા સામાન્ય લોકોની જેમ બેન્ચ પર બેઠી હતી અને હસબન્ડને જોઈ રહી હતી. યશે સિરિયલમાં કામ કરીને કરીઅરની શરૂઆત કરી હતી અને આજે તે પોતાની મહેનતને કારણે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર બની ગયો છે. તેના ફૅન્સને જ્યારે જાણ થઈ કે તે મઠમાં આવ્યો છે ત્યારે તેને જોવા લોકોની ભીડ ઊમટી આવી હતી અને પોલીસે તેમને કન્ટ્રોલ કરવા પડ્યા હતા.

esha deol hema malini dharmendra bollywood buzz bollywood news bollywood entertainment news