Helena Luke Death: મિથુનની પહેલી પત્ની, અમિતાભની એક્ટ્રેસ હેલેના લ્યુકનું અવસાન

04 November, 2024 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Helena Luke Death: તેણીએ મિથુન ચક્રવર્તી સાથે ૧૯૭૯ લગ્ન કર્યા હતા. પરંતુ મિથુન અને હેલેનાનો વૈવાહિક સંબંધ માત્ર ચાર મહિનાં સુધી જ સીમિત રહ્યો હતો

અલવિદા હેલેના લ્યુક

સિનેજગતમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તીની પ્રથમ પત્ની હેલેના લ્યુકનું અમેરિકા ખાતે નિધન (Helena Luke Death) થયું છે. જાણીતા ડાન્સર અને અભિનેત્રી કલ્પના આયરે તાજેતરમાં સોશિયલ મીડિયા પેજ પર હેલેના લ્યુકનાં અવસાનની વિગત શેર કરી હતી. હેલેનાનો જન્મ દક્ષિણ ગુજરાતનાં સુરત ખાતે થયો હતો. તેમનાં માતુશ્રી ગુજરાતી હતા અને પિતા વિદેશી હતા.

મિથુન ચક્રવર્તીની પ્રથમ પત્ની, માત્ર ચાર જ મહિનામાં છૂટા થયા હતાં બંને

તમને જણાવી દઈએ કે હેલેના લ્યુકે (Helena Luke Death) બોલિવૂડ સુપરસ્ટાર મિથુન ચક્રવર્તી સાથે ૧૯૭૯ લગ્ન કર્યા હતા. પરંતુ મિથુન અને હેલેનાનો વૈવાહિક સંબંધ માત્ર ચાર મહિનાં સુધી જ સીમિત રહ્યો હતો. આ એવો સમય હતો જ્યારે અભિનેતાં તેમની કારકિર્દીનાં ઉત્તુંગ શિખર પર હતા, આ સમયે હેલેના તેઓની પ્રથમ પત્ની બની હતી. પંબ ટૂંક જ સમયમાં તેઓનું લગ્ન જીવન સમાપ્ત થઈ ગયું હતું. કહેવાય છે કે લગ્ન કરી તો લીધા પરંતુ અભિનેત્રી લગ્નથી ખુશ નહોતી. તેણે એવો પણ ક્યાંક ખુલાસો કર્યો હતો કે મિથુને તેના વચનોથી બ્રેઈનવોશ કર્યું હતું. આખરે માત્ર ચાર જ મહિનાની અંદર હેલેનાએ મિથુન ચક્રવર્તી સાથે છૂટાછેડા માંગ્યા હતા અને ત્યારબાદ મિથુન ચક્રવર્તીએ અભિનેત્રી યોગીતા બાલી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ એવો ફેઝ પણ આવ્યો કે જ્યારે હેલેનાએ મિથુન સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હોવાની અફવાઓ ફેલાઈ હતી. આ જ કારણોસર અભિનેતાની બીજી પત્ની યોગિતા અસુરક્ષિતતાં મહેસુસ કરવા લાગી હતી.

અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘મર્દ’માં અફલાતૂન રોલ કર્યો હતો 

અવસાન પામનાર જાણીતાં અભિનેત્રી હેલેના લ્યુકે (Helena Luke Death) અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘મર્દ’માં બ્રિટિશ રાણીનો લીડ રોલ ભજવ્યો હતો. મનમોહન દેસાઈની બ્લોકબસ્ટર મસાલા ફિલ્મમાં હેલેના લ્યુકે એક ઉમદા બ્રિટિશ રાણીની ભૂમિકા ભજવીને પોતાના અભિનયનો ઓજસ પાથર્યો હતો. આ ઉપરાંત હેલેનાએ `આઓ પ્યાર કરે`, `દો ગુલાબ` અને `સાથ સાથ` જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. હિન્દી ફિલ્મો ખાસ કરીને જેમાં અંગ્રેજની ભૂમિકા હોય એવા પાત્રો માટે તેઓ જાણીતાં હતાં.

ઘણા નાટકોમાં પણ કામ કર્યું હતું

વર્ષો પહેલા હેલેનાએ અનેક નાટકોમાં પણ કામ કર્યું હતું. નિરંજન મહેતા અને રાજેન્દ્ર બુટાલા પાસેથી મળતી માહિતી અનુસાર હેલેનાએ 1980ના દાયકામાં ઘણાં ગુજરાતી નાટકોમાં તેઓએ હીરોઇનની ભૂમિકા ભજવી હતી. કાંતિ મડિયા નિર્દેશિત ષડયંત્રમાં તેણે અભિનય કર્યો હતો. તે ઉપરાંત `સખારામ બાઈન્ડર`, `હેલ્લો ડાર્લિંગ` તેમ જ દિન્યાર કોન્ટ્રાકટરના પારસી ગુજરાતી નાટકોમાં તેઓએ અદભૂત કામ કર્યું હતું.

Helena Luke Death: મિથુન ચક્રવર્તી પાસેથી અલગ થયા બાદ તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે કોઈ ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ક્યારેય હવે પાસે પાછી જશે નહીં. છૂટાછેડા બાદ હેલેના ઘણા વર્ષોથી ન્યૂયોર્કમાં રહેતી હતી અને ફિલ્મો પછી તેણે ડેલ્ટા એરલાઈન્સમાં ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ડેલ્ટા એરલાઇનમાં જૉબ કરતી હતી. ગત રાત્રે હેલેનાએ પોતાની તબિયત નબળી હોવાના સમાચાર એક પોસ્ટમાં શેર કર્યા હતા. બાબુલ ભાવસાર પાસેથી મળતી માહિતી અનુસાર 66 વર્ષનાં હેલેના લ્યુક એડવાન્સ્ડ ડાયાબિટીસથી ગ્રસ્ત હતા. અને હવે તેનું અવસાન થયું છે તે સમગ્ર સિનેજગત માટે આંચકાજનક છે.

bollywood news celebrity death bollywood gossips bollywood united states of america Gujarati Natak Gujarati Drama mithun chakraborty amitabh bachchan