21 April, 2023 04:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થોડા સમય પહેલાં જ આરાધ્યા તેની મમ્મી ઐશ્વર્યા સાથે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઇવેન્ટમાં હાજર હતી.
એક યુટ્યુબ ચૅનલે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની અગિયાર વર્ષની દીકરી આરાધ્યા બચ્ચનને લઈને ખોટી કન્ટેન્ટ ચલાવી હતી. એથી બચ્ચન ફૅમિલીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. એને લઈને દિલ્હી હાઈ કોર્ટે એ યુટ્યુબ ચૅનલને ફટકાર લગાવી છે અને સાથે જ પોતાની ચૅનલ પરથી એ બધું હટાવવાના આદેશ પણ આપ્યા છે. આ સિવાય કેટલાક લોકોને કોર્ટે સમન્સ પણ મોકલ્યા છે. એ ચૅનલે આરાધ્યાની તબિયતને લઈને અનેક વિડિયો શૅર કર્યો છે, જેમાં કહેવામાં આવે છે કે આરાધ્યાની તબિયત ગંભીર છે અને તે હૉસ્પિટલમાં દાખલ છે એટલું જ નહીં, એક વિડિયોમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આરાધ્યા હયાત નથી રહી. આ બધું ધ્યાનમાં આવતાં બચ્ચન પરિવારે કોર્ટેમાં અરજી દાખલ કરી છે અને એમાં નોંધ્યું છે કે આરાધ્યા સ્વસ્થ છે અને તે હૉસ્પિટલાઇઝ્ડ નથી. થોડા સમય પહેલાં જ આરાધ્યા તેની મમ્મી ઐશ્વર્યા સાથે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઇવેન્ટમાં હાજર હતી. આ અરજી પર ચુકાદો આપતાં જજે કહ્યું કે ‘દરેક બાળક પછી તે સેલિબ્રિટીનું હોય કે સામાન્ય વ્યક્તિનું હોય, તેને એકસમાન સન્માન મળવું જોઈએ. બાળકની માનસિક અને શારીરિક તંદુરસ્તીને લઈને માહિતી ફેલાવવી કાયદાની દૃષ્ટિએ સ્વીકાર્ય નથી.