સાત પ્રોજેક્ટ લઈને આવી રહ્યો છે હરમન બાવેજા

08 February, 2024 06:07 AM IST  |  Mumbai | Harsh Desai

આઇપીઓ લૉન્ચ કરીને કૅપિટલ વધુ મેળવવા માગતું તેનું પ્રોડક્શન હાઉસ જૅકી શ્રોફ સાથેની ‘ચિડિયા ઉડ’, કાર્તિક આર્યનની ‘કૅપ્ટન ઇન્ડિયા’ અને ટાઇગર શ્રોફ સાથે પણ એક પ્રોજેક્ટ બનાવી રહ્યું છે

હરમન બાવેજા

હરમન બાવેજા તેના પ્રોડક્શન હાઉસ બાવેજા સ્ટુડિયોઝ લિમિટેડનો આઇપીઓ લૉન્ચ કરીને વધુ કૅપિટલ મેળવી વધુ પ્રોજેક્ટ બનાવી રહ્યો છે. તેણે ૫.૪૦ કરોડ ઇક્વિટી શૅર ઑફર કર્યા છે અને એનો ઉપયોગ તે સાત પ્રોજેક્ટ પાછળ કરી રહ્યો છે. આ સાથે જ અન્ય છ પ્રોજેક્ટ પ્રી-પ્રોડક્શનમાં છે. આઇપીઓ લૉન્ચ કરવા વિશે પૂછતાં હરમન બાવેજાએ કહ્યું કે ‘આઇપીઓ લૉન્ચ કરવાનું પ્લાનિંગ ઘણા સમયથી ચાલી રહ્યું હતું. આ કંપની મારાં માતા-પિતાએ શરૂ કરી હતી. ફિલ્મો બનાવવા પાછળ અમને ૩૦ વર્ષ થયાં છે. છેલ્લાં થોડાં વર્ષોથી કંપનીને મેં ટેકઓવર કરી છે ત્યારથી અમે ખૂબ જ અગ્રેસિવ ગ્રોથ કર્યો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં અમે ત્રણગણો વધુ બિઝનેસ કર્યો છે. અમારી ટૉપ મૅનેજમેન્ટમાં અમે થોડા બદલાવ કર્યા. અમારા સીઈઓના ૨૫ વર્ષના અનુભવની સાથે સીએફઓ અને પાંચ ક્રીએટિવ પ્રોડ્યુસર્સ છે જે અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરે છે. અમારો ગ્રોથ વધતો ગયો અને આ વર્ષે અમારા સાત પ્રોજેક્ટ આવવાના છે અને અન્ય છ પ્રોજેક્ટનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. કંપનીનો ગ્રોથ વધતાં અમે આઇપીઓ લૉન્ચ કરવાનું નક્કી કર્યું જેથી અમે વધુ કૅપિટલ મેળવી શકીએ અને વધુ ગ્રોથ કરી શકીએ. દર વર્ષે અમે વધુને વધુ ગ્રોથ કરીને સારા પ્રોડક્શન હાઉસ તરીકે ઊભરીએ એવી આશા છે.’

આગામી પ્રોજેક્ટ્સ વિશે પૂછતાં હરમન બાવેજાએ કહ્યું કે ‘અમારી કંપનીમાં થિયેટર્સ અને ડિજિટલ ફિલ્મનો એક ડિપાર્ટમેન્ટ છે. ત્યાર બાદ રીજનલ ખાસ કરીને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમે કામ કરી રહ્યા છીએ. એક ડિપાર્ટમેન્ટ વેબ સિરીઝનો છે જે ‘ભૌકાલ’ જેવી સારી-સારી વેબ સિરીઝ બનાવવા પર ફોકસ કરે છે. ત્યાર બાદ ચોથો ડિવિઝન ઍનિમેશનનો છે. આ ડિવિઝને ‘ચાર સાહિબઝાદે’ બનાવી હતી જેણે ૨૦૧૪માં ૭૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ચાર ડિપાર્ટમેન્ટ અલગ-અલગ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે અને એમાં અમે ‘ચાર સાહિબઝાદે’ની પ્રીક્વલ બનાવી રહ્યા છીએ. આ સાથે જ સુપરહીરો 3D ઍનિમેટેડ ફિલ્મ બનાવી રહ્યા છીએ. અમે ‘ભૂચાલ’નું શૂટિંગ પૂરું કર્યું છે અને ‘ભૌકાલ’ની ત્રીજી સીઝન પર પણ કામ ચાલી રહ્યું છે. આ સાથે જ જૅકી શ્રોફ અને સિકંદર ખેર સાથેની ‘ચિડિયા ઉડ’ અને જયદીપ અહલાવત સાથેની ‘વિક્ટિમ્સ’ને લઈને પણ આવી રહ્યા છીએ. ફિલ્મોની વાત કરીએ તો કાર્તિક આર્યન સાથેની ‘કૅપ્ટન ઇન્ડિયા’, પૃથ્વીરાજ સુકુમારન સાથેની ફિલ્મ અને સાનિયા મલ્હોત્રાની ‘મિસિસ’ રિલીઝ થવા માટે તૈયાર છે. દિવ્યેન્દુ શર્મા અને સોભિતા ધુલિપલાની ‘પૈચાન’, પ્રતીક અને સયાની ગુપ્તાની ‘ખ્વાબોં કા જમેલા’, અર્શદ વારસી અને જિતેન્દ્ર કુમારની ‘ભાગવત’ પણ રિલીઝ થવા માટે તૈયાર છે. આ સાથે જ ટાઇગર શ્રોફ સાથે પણ અમે એક ફિલ્મ કરી રહ્યા છીએ.’

કોવિડ દરમ્યાન પ્રોડક્શન હાઉસ વિશે વાત કરતાં હરમન બાવેજાએ કહ્યું કે ‘આ દરમ્યાન દરેકને મુશ્કેલી પડી હતી. થિયેટર્સ પર અસર પડી હતી એથી અમે પણ ડિજિટલ તરફ વળ્યા હતા અને એ અમારા માટે ફાયદો થયો હતો. પ્રોડક્શન હાઉસને શૂટિંગ માટે તકલીફ પડી હતી, પરંતુ અમે સેફ્ટી સાથે કામ કર્યું હતું અને એ અમારા માટે ફાયદાકારક રહ્યું હતું.’

entertainment news bollywood buzz bollywood news social media bollywood jackie shroff kartik aaryan