04 March, 2023 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ આવશે ૧૦ માર્ચે ઑનલાઇન
‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ આ સિરીઝ દ્વારા તમને મજેદાર ધોળકિયા પરિવારને મળવાની તક મળવાની છે. આ સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૧૦ માર્ચે રિલીઝ થવાની છે. એનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સિરીઝને આતિશ કાપડિયા અને જે. ડી. મજીઠિયાએ ક્રીએટ અને ડિરેક્ટ કરી છે. એમાં રાજ બબ્બર, રત્ના પાઠક શાહ, અતુલ કુલકર્ણી, આયેશા ઝુલ્કા, સના કપૂર, મીનલ સાહુ, રોનક કામદાર અને અહાન સાબુ લીડ રોલમાં જોવા મળશે. ૧૦ માર્ચે આ શોના ચાર એપિસોડ રિલીઝ કરવામાં આવશે. સાથે જ ૩૧ માર્ચ સુધી દર શુક્રવારે નવો એપિસોડ રિલીઝ કરવામાં આવશે. એમાં દેખાડવામાં આવ્યું છે કે ધોળકિયા પરિવારની ચાર પેઢી એક મકાનમાં રહે છે. શો વિશે આતિશ કાપડિયા અને જે. ડી. મજીઠિયાએ કહ્યું કે ‘અમને લાગે છે કે કૉમેડી આપણી દરરોજની જીવનશૈલી અને નિરીક્ષણમાંથી મળી આવે છે અને ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ એનું જ એક ઉદાહરણ છે. ધોળકિયા પરિવાર દરેક કુટુંબનો આઇનો છે. અમારા વિવિધ શો દ્વારા અમે પરિવારનાં અલગ-અલગ પરિબળોને દેખાડવા માગીએ છીએ. આપણા પરિવારના સભ્યોની ટેવ અને તેમના વ્યવહારને આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ. આ જ કારણ છે કે આ સિરીઝ લોકોને જોડી શકશે. તમામ કલાકારોએ સાથે આવીને અમારા વિઝનને સાકાર કર્યું છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સાથે ભાગીદારી કરીને અમે ઉત્સાહિત છીએ. આ શો દ્વારા અમે વિશ્વભરના દર્શકો સાથે જોડાઈ શકીશું.’