01 August, 2024 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હંસલ મહેતા
ફિલ્મમેકર હંસલ મહેતાની દીકરીને આધાર કાર્ડ બનાવવામાં ખૂબ હેરાન થવું પડી રહ્યું છે. એનો બળાપો સોશ્યલ મીડિયામાં કાઢતાં તેમણે એને એક પ્રકારનું હૅરૅસમેન્ટ જણાવ્યું છે. દીકરીને કેટલી પરેશાન કરવામાં આવે છે એ વિશે હંસલ મહેતાએ માહિતી આપી હતી. એથી અનેક લોકોએ પણ પોતાને થયેલી પજવણીના અનુભવો શૅર કર્યા હતા. તો કેટલાકે હંસલ મહેતાને વણમાગી સલાહ પણ આપી હતી. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર હંસલ મહેતાએ લખ્યું કે ‘મારી દીકરી છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી આધાર કાર્ડ માટે અપ્લાય કરવાનો પ્રયાસ કરી રહી છે. અંધેરી ઈસ્ટમાં વરસતા વરસાદમાં ઘણુંબધું વેઠવું પડ્યું હતું અને સિનિયર મૅનેજર તેને સતત વિવિધ બહાનાંઓ બતાવીને ઘરે પાછી મોકલી રહ્યા છે. તેઓ કહે છે ‘આ સાઇન કરો, તે ડૉક્યુમેન્ટ્સ લઈને આવો, સ્ટૅમ્પ બરાબર નથી કરેલો, તારી આજની અપૉઇન્ટમેન્ટ નથી, હું એક અઠવાડિયાની રજા પર છું.’ આ ખૂબ જ નિરાશાજનક અને એક પ્રકારનું હૅરૅસમેન્ટ છે.’