ગુજરાતી ઍક્ટ્રેસ વિનીતા જોશીએ કર્ણનું પાત્ર ભજવીને જીત્યો મહારાષ્ટ્ર સરકારનો અવૉર્ડ

16 October, 2024 04:29 PM IST  |  Mumbai | Jigisha Jain

સુશાંત સિંહ રાજપૂત જેમાં કામ કરી ચૂક્યો છે એ હિન્દી નાટક ‘કર્ણ’માં હવે તમામ પાત્રો સ્ત્રીઓ જ ભજવે છે.

અવૉર્ડ વિતરણ સમારોહમાં વિનીતા જોશી.

તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય નાટ્ય મહોત્સવમાં ‘કર્ણ’ નામના નાટકમાં અભિનય કરવા બદલ વિનીતા જોશીને બેસ્ટ ઍક્ટરના અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. વિનીતા જોશીએ ‘ભટક લેના બાવરે’, ‘સરસ્વતી ચંદ્ર’, ‘નવ્યા-નયી ધડકન નએ સવાલ’, ‘યે હૈ આશિકી’ જેવા જુદા-જુદા ઘણા ટીવી-શોમાં કામ કર્યું છે. 

દર વર્ષે યોજાતા મહારાષ્ટ્ર રાજ્ય નાટ્ય મહોત્સવમાં આ વર્ષે કુલવિન્દર બક્ષિસ સિંહ નિર્દેશિત ‘કર્ણ’ નાટકે હિન્દી નાટ્યસ્પર્ધામાં ભાગ લીધો હતો. વિનીતા જોશીએ એમાં કર્ણનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ નાટકને સર્વશ્રેષ્ઠ નાટકનો અવૉર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત અભિનય, નિર્દેશન, લાઇટ્સ, નેપથ્ય (બૅકસ્ટેજ), રંગભૂષા (કૉસ્ચ્યુમ), લેખન માટે મળીને કુલ સાત અવૉર્ડ્સ મળ્યા હતા. આ નાટકમાં મહાભારતને કર્ણના પરિપ્રેક્ષ્યમાં દર્શાવવામાં આવ્યું છે. 

પરંતુ કર્ણનો રોલ એક છોકરી એટલે કે વિનીતા જોશી કેમ નિભાવી રહી છે એનો જવાબ આપતાં વિનીતા કહે છે, ‘આ એક જૂનું નાટક છે જેના ૭૦૦-૮૦૦ શોઝ પહેલાં થઈ ગયા હતા. એક સમયે સુશાંત સિંહ રાજપૂત આ નાટકમાં કામ કરતો હતો. તેના મૃત્યુ પછી નાટક સાથે જોડાયેલા લોકો ઘણા ભાવુક થઈ ગયા હતા અને નિર્દેશકે નક્કી કર્યું કે આ નાટક હું કોઈ બીજા પુરુષો સાથે નહીં બનાવું. આમ નાટકની આખી ડિઝાઇન બદલાવવામાં આવી. અમારા આખા નાટકમાં ફક્ત સ્ત્રીઓ જ છે જે જુદાં-જુદાં પાત્રો ભજવી રહી છે. આખું નાટક જેન્ડર-ન્યુટ્રલ છે એટલે કે અમારા નાટકમાં સ્ત્રી કે પુરુષ નથી, પાત્રો છે. અત્યાર સુધીમાં મેં ‘કર્ણ’ના પચીસ જેટલા શોઝ કર્યા છે પણ મને પ્રેક્ષકો પાસેથી એવો પ્રતિભાવ નથી મળ્યો કે પુરુષનું પાત્ર છોકરી કેમ નિભાવી રહી છે? ઊલટું કદાચ એ અમારા નાટકની ખાસિયત બની ગઈ છે.’ 

કર્ણના પાત્રમાં વિનીતા જોશી.

કર્ણમાં કેરલાની માર્શલ આર્ટ કલરીપયટ્ટુનો પ્રયોગ છે, જે માટે ઘણી મહેનત લાગે છે. એ વિશે વાત કરતાં વિનીતા જોશી કહે છે, ‘યુદ્ધકલા સ્ટેજ પર બતાવવા માટે શારીરિક મહેનત ઘણી માગી લે છે. વળી કર્ણ જેવા પાત્રને નિભાવવું સહેલું તો નથી. એટલે ફક્ત શારીરિક જ નહીં, માનસિક રીતે પણ ઘણી મહેનત અનિવાર્ય છે. આ નાટક ટ્રિલજી છે એટલે કે ત્રણ નાટકો એકબીજા સાથે સંકળાયેલાં છે : ‘કર્ણ’, ‘માધવ’ અને ‘મહાદેવ’. આ ત્રણેય પાત્રો કે નાટકમાં આમ કોઈ દેખીતું કનેક્શન નથી, પણ એક રીતે એ એકબીજા સાથે જોડાયેલાં છે. ‘કર્ણ’ જૂનું નાટક છે, જ્યારે ‘માધવ’ અને ‘મહાદેવ’ નવાં નાટકો છે જે હવે ટ્રિલજીની જેમ ભજવાઈ રહ્યાં છે.’

મુંબઈમાં હાલમાં અંધેરી અને દાદરમાં એ ભજવાયું હતું.

maharashtra mahabharat entertainment news bollywood news sushant singh rajput bollywood