ગોવિંદાના ૩૭ વર્ષના લગ્નજીવનમાં ભંગાણ?

26 February, 2025 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીચીનું ૩૦ વર્ષની મરાઠી ઍક્ટ્રેસ સાથે અફેર હોવાની ચર્ચા : છેલ્લા કેટલાક ઇન્ટરવ્યુમાં પત્ની સુનીતાએ પતિ સાથેની પોતાની રિલેશનશિપ વિશે ચોંકાવનારાં નિવેદન આપ્યાં છે

સુનીતા આહુજા અને ગોવિંદા

ઍક્ટર ગોવિંદાના અંગત જીવનમાં મોટી સમસ્યા હોવાના સમાચાર છે. એક રિપોર્ટ પ્રમાણે ગોવિંદાનું ૩૦ વર્ષની એક મરાઠી ઍક્ટ્રેસ સાથે એક્સ્ટ્રા મૅરિટલ-અફેર ચાલી રહ્યું છે. આ અફેરને કારણે ગોવિંદા અને પત્ની સુનીતાનું ૩૭ વર્ષનું લગ્નજીવન સમસ્યામાંથી પસાર થઈ રહ્યું છે અને બન્ને છૂટાછેડા લેવાના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે. આ સમાચારની આંશિક પુષ્ટિ કરતાં ગોવિંદાના મેનેજરે ગઈ કાલે સાંજે કહ્યું હતું કે કેટલાક ફૅમિલી-મેમ્બર્સનાં નિવેદનોને કારણે પત્ની સુનીતા સાથેના લગ્નજીવનમાં ગોવિંદાને થોડીક સમસ્યાઓ છે.

સુનીતા આહુજાએ તાજેતરમાં કેટલાક ઇન્ટરવ્યુ આપ્યા છે જેમાં તેણે પોતાના અંગત જીવન વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ ઇન્ટરવ્યુનાં કેટલાંક નિવેદન પરથી લાગે છે કે તેમના સંબંધમાં કોઈ સમસ્યા છે. આ ઇન્ટરવ્યુમાં સુનીતાએ કહ્યું હતું કે ‘હું અને ગોવિંદા અલગ ઘરમાં રહીએ છીએ. અમારાં બે ઘર છે. હું મારા મંદિર અને મારાં બાળકો સાથે એક ફ્લૅટમાં રહું છું, જ્યારે ગોવિંદા સામેના ઘરમાં રહે છે.’ 

સુનીતા ગોવિંદાના કાકા આનંદ સિંહની સાળી છે. કૌટુંબિક પ્રસંગોમાં મુલાકાતો બાદ બન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયાં. થોડો સમય રિલેશનશિપમાં રહ્યા પછી ગોવિંદા અને સુનીતાએ ૧૯૮૭ની ૧૧ ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં.

ગોવિંદાના અને સુનીતાના ડિવૉર્સ વિશે ગોવિંદાના ભાણેજ અને કૉમેડિયન કૃષ્ણા અભિષેકે કહ્યું કે ‘આ શક્ય જ નથી. મને લાગે છે કે એ બન્ને મળીને બધું સંભાળી લેશે. તેઓ છૂટાછેડા નહીં લે. તેઓ ઘણાં વર્ષોથી સાથે છે. એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. મને નથી લાગતું કે આ રીતે છૂટાછેડા થશે.’

કંઈક ગરબડ હોવાનો ઇશારો કરતાં સુનીતાનાં ચોંકાવનારાં નિવેદન

૧.    સાઠ સાલ કે બાદ આદમી સઠિયા જાતા હૈ, પતા નહીં ક્યા કર દે.
૨.    મહિલાઓને સતર્ક રહેવાની જરૂર છે. પોતાના પતિ કે સાથીને નિર્દોષ માનવાની ભૂલ ન કરો.
૩.    હું નથી ઇચ્છતી કે આવતા જનમમાં ગોવિંદા મારો પતિ બને. હું કોઈ ઍક્ટરની પત્ની બનવા નથી ઇચ્છતી.
૪.    મારા પતિને ફાલતુ લોકો સાથે ઊઠવા-બેસવામાં બહુ રસ છે.

નીલમ સાથે કરવાં હતાં લગ્ન

ગોવિંદા એક સમયે તેની હિરોઇન નીલમના પ્રેમમાં હતો. એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘નીલમ તેના માટે એક આદર્શ પત્ની હતી. હું નીલમ સાથે લગ્ન કરવા માગતો હતો. મને નથી લાગતું કે એમાં કંઈ ખોટું છે. નીલમ એક આદર્શ છોકરી હતી, જેમ દરેક વ્યક્તિ પોતાના જીવનસાથી માટે વિચારે છે. તે એવી જ છોકરી હતી જે હું ઇચ્છતો હતો. લગ્ન પહેલાં જ્યારે હું ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયો ત્યારે તેની અસર મારા અને સુનીતા વચ્ચેના સંબંધો પર પડી. સુનીતા અસુરક્ષિતતા અનુભવવા લાગી. અમારી વચ્ચે સતત ઝઘડા થતા રહેતા. આવી જ એક લડાઈમાં સુનીતાએ નીલમ વિશે કંઈક કહ્યું અને હું ગુસ્સે થઈ ગયો. મેં સુનીતા સાથેનો સંબંધ તોડી નાખ્યો. મેં સુનીતાને મારાથી દૂર રહેવા માટે કહ્યું અને તેની સાથે સગાઈ તોડી નાખી. જો સુનીતાએ ઝઘડાના પાંચ દિવસ પછી મને ફોન ન કર્યો હોત તો હું નીલમ સાથે લગ્ન કરી લેત.’

govinda neelam kothari celebrity divorce bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news