21 November, 2023 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા અને ડેવિડ ધવન
ગોવિંદા અને ડેવિડ ધવન વચ્ચે ઘણાં વર્ષોથી મતભેદ હતો, જેનો હવે અંત આવ્યો છે. આ બન્ને ફિલ્મમેકર રમેશ તૌરાણીની દિવાળી પાર્ટીમાં ભેગા થયા હતા. એ દરમ્યાન બન્ને વચ્ચે ખાસ્સો સમય સુધી વાતચીત ચાલી હતી. આ બન્નેએ ‘રાજા બાબુ’, ‘સાજન ચલે સસુરાલ’, ‘શોલા ઔર શબનમ’, ‘ક્યૂં કિ મૈં ઝૂઠ નહીં બોલતા’, ‘પાર્ટનર’, ‘સ્વર્ગ’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘કૂલી નંબર 1’ અને ‘હીરો નંબર 1’માં સાથે કામ કર્યું હતું.
ડેવિડ ધવન સાથેના વિવાદ દૂર થવા પર ખુશી વ્યક્ત કરતાં ગોવિંદાએ કહ્યું કે ‘મને એ વાતની ખુશી છે કે લોકોની ઇચ્છા છે કે અમે સાથે કામ કરીએ. આ તેમનો પ્રેમ છે. અમારી વચ્ચે પહેલાં જ પૅચ-અપ થઈ ગયું છે. આ અમારી બીજી મીટિંગ હતી. એ દિવાળી પાર્ટીમાં અમે સાથે સ્વાદિષ્ટ ભોજન ખાધું અને સારી રીતે સમય પસાર કર્યો. અમે ભૂતકાળને વાગોળવામાં નથી માનતા. એક જ વાતની ચર્ચા શું કામ કરવાની? એ જરૂરી નથી. જે વીતી ગયું એ વીતી ગયું. ફિલ્મ પર ચર્ચા કરવી અમારી પ્રાથમિકતા નહોતી. અમે અઢળક ખુશીની જૂની વાતો યાદ કરી હતી. જો તમે પાર્ટીમાં ન જાઓ તો તમને સોશ્યલ નથી માનવામાં આવતા, જે ખોટું કહેવાય. હું ઍન્ટિ-સોશ્યલ નથી અને હું કોઈ ગ્રુપમાં નથી માનતો.’